ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જશે. એટલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ 1લી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે.એટલે વિધાનસભાના બજેટ પહેલા મ્યુનિ.કોર્પોરેશનના બજેટ મંજુર કરી દેવામાં આવશે. એટલે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બજેટ માટે સામાન્ય સભા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. જીએમસીના કમિશનરે તાજેતરમાં અધિકારીઓની બેઠક બોલાવી હતી. અને હાલ બજેટની તૈયારીઓ ચાલી રહી છે.
લોકસભા ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડે તે પહેલા બજેટ મંજૂર કરવું જરૂરી હોવાથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 1લી ફેબ્રુઆરીએ મળી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ. દ્વારા પણ વહેલા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી માસમાં મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ રજૂ કરવામાં આવશે. જેને વિવિધ તબક્કે મંજૂર કર્યા બાદ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે. અને 2જી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. સામાન્ય પ્રણાલી એવી રહેતી હોય છે કે રાજ્ય સરકારના બજેટ પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું બજેટ રજૂ થતું હોય છે. જેને કારણે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં બજેટ રજૂ થશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકો પાસેથી મંગાવાયેલા સૂચનો પણ ધ્યાને લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બજેટને લઇને અધિકારીઓની બેઠક પણ બોલાવાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર બજેટ તૈયાર કરશે ત્યારબાદ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. સ્ટેન્ડિંગ કમિટી સુધારાઓ સૂચવ્યા બાદ બજેટને મંજૂર કરશે ત્યારબાદ બજેટ સામાન્ય સભામાં મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. આ તમામ કવાયત રાજ્ય સરકારના બજેટ એટલે કે 2 ફેબ્રુઆરી પહેલા પૂરી કરી દેવાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કહ્યું કે બજેટની તૈયારી માટે સૂચના આપવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોના આરોગ્ય, સુખાકારીને ધ્યાને રાખીને તેમજ શહેરીજનોને વિવિધ સુવિધા મળી રહે તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપીને બજેટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. લોકાભિમુખ અભિગમથી મ્યુનિનું બજેટ તૈયાર કરાશે.