- બજેટસત્રમાં 25 બેઠકો મળશે
- કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી
- વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા
અમદાવાદઃ લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું હતું. જ્યારે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પ્રથમવાર બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં તા. 2 માર્ચના રોજ બજેટ સત્રનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ અભિભાષણ આપશે. જ્યારે 3 માર્ચના રોજ નાણા મંત્રી બજેટ રજૂ કરશે. વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. જેથી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે.
કોરોના મહામારી વચ્ચે 2 માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર યોજાશે. સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહીં આવે અને વિધાનસભામાં પ્રવેશ લેનારને વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ બતાવાનું રહેશે. રાજ્ય સરકારનું વર્ષ 2022-23 માટેનું બજેટ સત્ર બીજી માર્ચ બુધવારથી શરૂ થશે જે 31મી માર્ચ સુધી ચાલશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વર્તમાન વિધાનસભાનું આ છેલ્લું સત્ર હશે અને તેમાં 25 બેઠક યોજાશે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મોંઘવારી અને કાયદો-વ્યવસ્થા મુદ્દે વિપક્ષ કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટમાં પ્રજાને અનેક રાહત આપવામાં આવે તેવી શકયતા છે.