1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભઃ બજેટ ફીલગુડ રહેવાની શક્યતા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભઃ  બજેટ ફીલગુડ રહેવાની શક્યતા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભઃ બજેટ ફીલગુડ રહેવાની શક્યતા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા. 2જી માર્ચથી પ્રારંભ થશે. આ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની વિધાનસભામાં પ્રથમ કસોટી થશે. રાજ્યનું બજેટ સત્ર 2 માર્ચથી શરુ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 3જી માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આગામી બજેટ ફિલગુડ રહેશે. અને અનેક છૂટછાટો આપવામાં આવે તેવી શક્યાતા છે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાન સભાના બજેટ સત્રનો પ્રારંભ આગામી તા. 2જી માર્ચથી થશે. બજેટ સત્ર 31મી માર્ચ સુધી ચાલશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. જેનું સંભવિત કુલ કદ આશરે 2.32 લાખ કરોડની આસપાસનું રહેશે. સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલ વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. સામાન્યત: વિધાનસભાનું બજેટ સત્ર દર વર્ષે ફેબ્રુઆરીનાં બીજા સપ્તાહથી શરુ કરાય છે અને તે લગભગ 32-35 દિવસ સુધી ચાલતું હોય છે. પરંતુ આ વખતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના કારણે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીનાં ત્રીજા સપ્તાહને બદલે 2જી માર્ચથી 31મી માર્ચ સુધીનાં 30 દિવસ માટે મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વખતના બજેટ સત્રમાં શનિ-રવિવારની 8 રજાઓ ઉપરાંત 18મી માર્ચે હોળીની રજા સહિતનાં 9 દિવસને બાદ કરતાં બાકી રહેતાં 21 દિવસ માટે આ સત્ર કામ કરશે જેમાં 5 થી 8 જેટલી ડબલ બેઠકો પણ યોજાશે. મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારનાં આ વખતના બજેટ સત્રના કાર્યક્રમને આખરી ઓપ અપાયા બાદ તેને રાજ્યપાલના અનુમોદન માટે મોકલવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સત્રનું આહવાન કરાયા બાદ કેબીનેટની મંજુરીથી આ સત્રમાં લગભગ 10થી વધુ કાયદામાં સુધારા સૂચવતાં વિધેયકો વિધાનસભામાં મંજુર કરાવાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 2જી માર્ચ, બુધવારે બપોરે 12 વાગે રાષ્ટ્રગાનની ધનની સાથે સત્રનો આરંભ થશે. જેમાં સૌપ્રથમ રાજ્યપાલ દ્વારા ગૃહની બેઠકને સંબોધિત કરાશે ત્યારબાદ વિધાનસભાનાં સદગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલિ અપાશે. સત્રના બીજા દિવસે 3જી માર્ચે નવાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરશે. જે વર્તમાન રાજ્ય સરકારનું અને નાણામંત્રીનું પ્રથમ બજેટ હશે. નવેમ્બર-ડીસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી તે ચૂંટણી આડેનું અંતિમ બજેટ પણ હશે. બજેટ રજૂ કરાયા બાદના પ્રથમ બે દિવસ રાજ્યપાલના ગૃહને સંબોધન બદલનો આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને તેના ઉપર ચર્ચા કરાશે. આ ચર્ચા દરમિયાન વિરોધ પક્ષ દ્વારા રાજ્યની સરકારને અનેક સળગતા મુદ્દે ભીંસમાં લેવાનો પ્રયત્ન કરશે. આ ચર્ચા પૂરી થયા પછી ચાર દિવસ સુધી બજેટ પરની સામાન્ય ચર્ચા યોજાશે. આ ચર્ચા દરમિયાન પણ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સરકારની આકરી ટીકા કરવાના મુદ્દા ભેગી કરી રહી છે. સત્રના અંતિમ દિવસો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા તેના બજેટ મુજબના નાણા ખર્ચવા માટેનો અધિકાર મેળવતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરાવાશે. આ દિવસો દરમિયાન જ સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરુરિયાત મુજબનાં સુધારા વિધેયકો પસાર કરાવાશે. 31મી માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને સત્રનું સમાપન કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code