નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, આ સત્રમાં મોદી સરકાર વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બીજી તરફ રોજગારી, ચીન સાથેનો સરહદી વિવાદ, અર્થતંત્ર, સેન્સરશીપ સહિતના મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક વલણને જોતા બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરએસપી સહિત અનેક વિપક્ષી દળોએ સંસદ સત્ર દરમિયાન મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા, કેન્દ્ર-રાજ્ય સંબંધો વગેરે મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસે સત્ર દરમિયાન કેન્દ્ર-રાજ્ય સંબંધો પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની પૃષ્ઠભૂમિમાં સેન્સરશીપનો મુદ્દો ઉઠાવવાનો આગ્રહ કર્યો છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, “રાષ્ટ્રપતિના સંબોધન અને તેમના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બજેટ સત્રના પહેલા ભાગમાં ચર્ચા કરવામાં આવશે.” સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સત્ર છે, અમે તમામ પક્ષોનો સહયોગ ઈચ્છીએ છીએ. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે તેમણે કહ્યું કે, વિપક્ષના મુદ્દાઓની ચર્ચા બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં કરવામાં આવે છે અને નિયમો અનુસાર લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને દેશના વિવિધ રાજ્યોમાં ભારે સમર્થન મળ્યું છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે રાજકીય આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. એટલું જ નહીં બિઝનેશ અને ફિલ્મ જગત સહિતના ક્ષેત્રના આગેવાનોએ પણ રાહુલ ગાંધીની યાત્રાને સમર્થન આપ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પગલે કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયાં છે.