ગાંધીનગરઃ ગુજરાતમાં રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેવાતા બિલ્ડરોએ વિરોધ કર્યા છે. અસહ્ય જંત્રીને લીધે રિયલ એસ્ટેટમાં વ્યાપક મંદીની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જંત્રીના દરમાં થયેલા વધારા મામલે બિલ્ડરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. જંત્રી દર મામલે બિલ્ડરોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યસચિવ રાજ કુમાર પણ હાજર રહ્યા હતા. જંત્રીના દર વધતા બિલ્ડરોમાં ચિંતા વધી છે. જેથી બિલ્ડરોએ સરકાર પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. જોકે મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી છે. બીજી તરફ આજથી ડબલ જંત્રી લેવાનો અમલ શરૂ કરી દેવાતા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તેમજ જંત્રીના કામ માટે આવેલા લોકો અટવાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જંત્રીના દરમાં ડબલ વધારો કરી દેવાતા ક્રેડઈ ના હોદ્દેદારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આવેદનપત્ર આપ્યું હતું. સીએમને એવી રજુઆત કરવામાં આવી હતી કે, જંત્રીના દરમાં એકાએક કરવામાં આવેલો ભાવ વધારો અસહ્ય છે. આ ભાવ વધારાથી સો ટકા જ નહીં પણ સાડી ત્રણસો ટકા જેટલી અસર બાંધકામ ઉદ્યોગને પડશે. 1 મે 2023 થી નવી જંત્રીનો અમલ કરવા વિનંતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો ક્રેડાઈએ દાવો કર્યો છે. બિલ્ડરોએ 33 ટકા ના ધોરણે જંત્રીમાં વધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે લોકોને ટોકન અપાઈ ગયા છે તે લોકો જૂની જંત્રીના આધારે જ દસ્તાવેજ કરી શકશે તેવો ક્રેડાઈએ સૂચવ્યું છે. ક્રેડાઈએ મીટિંગ બાદ જણાવ્યું કે, જંત્રીના મુદ્દે રાજ્ય સરકાર એક કે બે દિવસમાં નિર્ણય લેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જંત્રીના દર ડબલ થવાનો મામલે રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જંત્રીના દર ડબલ થવાના નિર્ણયનો વિરોધની શકયતાના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે. કચેરીએ દસ્તાવેજ માટે આવનારા લોકોમાં અસમંજસ જોવા મળી છે. નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ થશે કે જુની જંત્રી પ્રમાણે તેને લઇને મૂંઝવણ છે. જો ચાર ફેબ્રુઆરી કે તે પહેલાં બંને પક્ષો એટલે કે મિલ્કત ખરીદનાર અને વેચનારે સહી કરી હોય અને મોડામાં મોડા 6 તારીખ સુધી સ્ટેમ્પ મેળવ્યો હોય તો તેને જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ થશે. સહી કર્યાના ચાર માસની અંદર મિલકત ખરીદનાર અને વેચનારે સબ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણી કરાવવી પડે છે.