- અમદાવાદમાં 7500થી વધુ મિલ્કતો વર્ષો જુની છે,
- બિલ્ડરોએ BU અને ફાયર NOCનું એન્ટ્રીગેટ પર બોર્ડ મારવું પડશે,
- સરકારી અને મ્યુનિ.ની બિલ્ડિંગો જ સૌથી વધુ જુની છે
અમદાવાદઃ શહેરમાં વર્ષો જુના મકાનોમાંથી ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. જુના મકાનોને લીધે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે હવે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં નવી મિલકતના બાંધકામની વિકાસ પરવાનગી (રજા ચિઠ્ઠી), વપરાશ પરવાનગી (બીયુ), જુના બાંધકામની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ફાયર NOC લેવા નાગરિકોને જાણ કરવામાં આવી છે. 15 વર્ષ જૂના તમામ બાંધકામોનું રાજ્ય સરકારના GDCR મુજબ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જ્યારે જે પણ નવા બાંધકામ થઈ રહ્યા છે તેની રજા ચિઠ્ઠી અને બીયુ પરવાનગી બાદ જ બાંધકામ કરવાનું રહેશે. એએમસીએ શહેરમાં 7500થી વધુ મિલકતો ભયજનક – જર્જરિત જાહેર કરવામાં આવી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જે પણ બિલ્ડર કે ડેવલોપર દ્વારા બાંધકામની બીયુ પરવાનગી કે રજા ચિઠ્ઠી ન લીધી હોય તેઓએ તાત્કાલિક ધોરણે રજા ચિઠ્ઠી મેળવવાની રહેશે. બિલ્ડિંગોમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી હોવા અંગેનું લોકો વાંચી શકે તેવું બિલ્ડીંગના એન્ટ્રીગેટ પાસે બોર્ડ લગાવવાનું રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ તેમજ ફાયર વિભાગ દ્વારા જો બીયુ પરમિશન અથવા ફાયર એનઓસી નહીં હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેર ઐતિહાસિક ગણાય છે. શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુની મિલ્કતો આવેલી છે. શહેરમાં કરાયેલા સર્વે મુજબ સૌથી વધુ જુની મિલ્કતો મ્યુનિની છે. જેમાં 6172 મિલકતોનો સમાવેશ થાય છે. જ્યારે 1167 ખાનગી મિલકતો અને 48 મિલકતો 15 વર્ષથી વધુ જૂની છે. સૌથી વધારે કોટ વિસ્તારમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, ખાડીયા વિસ્તારમાં જ્યારે પૂર્વ વિસ્તારમાં વટવા, ઇસનપુર, લાંભા, મણિનગર, નરોડા, સૈજપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં વર્ષો જુનિ મિલકતો આવેલી છે. દરમિયાન એએમસીના કમિશનર દ્વારા જાહેર નોટિસ આપી જાણ કરવામાં આવી છે કે રાજ્ય સરકારના GDCR શિડ્યુલ 6માં કલાસ 1માં ફ્રેમ સ્ટ્રક્ચરલ, ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડીંગ, સ્પેશિયલ બિલ્ડીંગ, એજ્યુકેશનલ બિલ્ડીંગ, કોમર્શીયલ બિલ્ડીંગ અને અન્ય જાહેર બિલ્ડીંગ તથા ક્લાસ- 2માં (9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા લોડબેરીંગ રહેઠાણ પ્રકારના ઈમારત/બિલ્ડીંગ) કેટેગરીમાં આવે છે. GDCR (જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ) જોગવાઈ અનુસાર જે બિલ્ડીંગ 15 વર્ષ જૂની હોય એવી તમામ બિલ્ડીંગના માલિકો, ચેરમેન-સેક્રેટરી, કબજેદાર તેમજ વપરાશકર્તાઓએ તેઓના રજીસ્ટર્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર અથવા AMC લાયસન્સ હોલ્ડર અન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર મારફતે મકાનની ચકાસણી કરાવવાની રહેશે. બિલ્ડીંગનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટીફિકેટ મેળવી નિયત ફોર્મ નં.15માં વિગતો સાથે AMCના સંબંધિત ઝોનમાં નગર વિકાસ અધિકારીની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. (File photo)