જગનમોહન રેડ્ડીના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ચાલ્યું, ફરિયાદ બાદ મનપાએ કરી કાર્યવાહી
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથ લીધા પછી, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પ્રમુખ જગનમોહન રેડ્ડીના ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દીધું છે. આ ગેરકાયદે બાંધકામ લોટસ પોન્ડમાં જગન મોહન રેડ્ડીના ઘરની સામે તેમની સુરક્ષા માટે રોડનું અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, નગર પરિષદને રસ્તાના અતિક્રમણ અને બાંધકામ અંગે ઘણી ફરિયાદો મળી હતી, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જગનમોહન રેડ્ડીના સમર્થકોના જણાવ્યા અનુસાર, આ રોડની બાજુનો રૂમ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની હાર બાદ કોઈ સુરક્ષા નહોતી. જેના કારણે અધિકારીઓએ પોલીસની હાજરી વચ્ચે તેમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.
હૈદરાબાદના લોટસ પોન્ડમાં ફૂટપાથ અને રોડ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીની સરકારે ઘણી વખત ચેતવણી આપી છે કે ગેરકાયદે બાંધકામને ક્યાંય અવગણવામાં આવશે નહીં. રોડ પર ટ્રાફિક જામના કારણે ત્યાં બનાવેલા ત્રણ શેડને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCPને આંધ્ર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની 175 વિધાનસભા બેઠકોમાંથી તેમની પાર્ટીને માત્ર 11 બેઠકો મળી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) 135 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પવન કલ્યાણની જનસેના પાર્ટીને 21 જ્યારે ભાજપને 8 બેઠકો મળી હતી.