વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ, એક શ્રમિકનું મોત
- છ શ્રમજીવીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
- પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ
- ગર્ડર મુકતી વખતે સર્જાઈ આ દૂર્ઘટના
- મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા
અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે, વડોદરાના કરજણ તાલુકામાં હાલ શ્રમિકો બુલેટ ટ્રેનની કામગીરી કરી રહ્યાં છે દરમિયાન ક્રેન તુટી પડવાની દૂર્ઘટના સર્જાઈ હતી. જેની નીચે સાત જેટલા શ્રમિકો દબાયાં હતા. આ દૂર્ઘટનામાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે છ શ્રમજીવીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દેવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ગર્ડર મુકવામાં આવી રહ્યું હતું, દરમિયાન અચાનક ક્રેન તુટી પડ્યું હતું. જેથી બનાવ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ દૂર્ઘટનાગ્રસ્ત ક્રેન નીચે સાત મજુરો દબાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે છ વ્યક્તિઓને ઈજા થઈ હતી. કરજણના એસડીએમ પણ સ્થળ પર દોડી ગયા હતા તેમજ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની પૃચ્છા કરી હતી. કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને ક્રેન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.