Site icon Revoi.in

નડિયાદ નજીક પીપલગ ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નુકશાન

Social Share

નડિયાદઃ શહેર નજીક આવેલા પીપલગ ગામની સીમમાં પસાર થતી મહીની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં પૂરની જેમ ફરી વળ્યું હતુ. જેમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઈટ પર પાણી ફરી વળતા નુકશાન થયુ હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને ગામના સરપંચ દ્વારા જાણ કરતા દોડતા થયા હતા. ત્યારબાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ દોડી આવ્યા હતા

નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઇની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા પાણી પૂરની જેમ ફરી વળ્યા હતા. જેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર પણ પાણી ભરાયા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી પસાર થતી આ કેનાલ પાસે બુલેટ ટ્રેનના સત્તાધીશો દ્વારા કેનાલ નજીક પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીનો ફોર્સ વધતા આ પાળો પાણીના વહેણમાં ધોવાઈ જતા પાણી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સાઇટ પર ફરી વળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહીની મુખ્ય કેનાલના પાણી ઓવરફ્લો થઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના યાર્ડમાં ઘૂસતા મજૂર કોલોનીમાં પણ મધરાતે પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે, આ કેનાલનું પાણી માતરના પરીએજ અને એથી આગળ છેક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. જે ખેતી અને પીવા માટે વાપરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને ગામના સરપંચ દ્વારા જાણ કરતા દોડતા થયા હતા. ત્યારબાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ દોડી આવ્યા હતા

આ બનાવ અંગે કાર્યપાલક ઈજનેરે જણાવ્યુ હતુ કે, ‘બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં હાલ પિલ્લર નાખવાની કામગીરી ચાલતી હતી. તેના માટે કેનાલ નજીક પાળો બાંધવામાં આવ્યો હતો. પરંતુ પાણીના ફોર્સને કારણે પાળો તૂટી જતા મધરાતે સાડાબાર આસપાસ પાણી ઘૂસી ગયા હતા. અમને આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાળાનું સમારકામ કર્યું હતું.’ દરમિયાન પીપલગ ગામના સરપંચ મનીષ પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ ખંભાત શાખાની કેનાલ છે. રાત્રે આ ઘટનાની જાણ મને થતા મેં તુરંત કેનાલ શાખામાં જાણ કરી હતી. આ માતર શાખામાં પણ પાણી છોડવામાં આવ્યું હતું. આ બાદ જેસીબી મશીન મારફતે કામ પૂર્ણ કરાયું છે, જે તે વખતે બીમ ઊભો કર્યો હતો અને કાચી માટીના લીધે આ ધોવાણ થયું છે. પાળાની હાઈટ વધારવા અમે જણાવ્યું છે. આ ભરાયેલા પાણી પીપલગ તળાવમાં થઈ અને કાસમાં થઈ આગળ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ એલ એન્ડ ટી કાસ્ટીંગ યાર્ડમાં પાણી ભરાયા છે.’

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને તુરંત ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. પંકજભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ‘નડિયાદથી ખંભાત જતી આ મુખ્ય કેનાલ છે. અહીંયા બુલેટ ટ્રેનના કામના કારણે પાણી કેનાલમાં પૂરતા ફોર્સમાં છોડતા બધુ પાણી બહાર આવ્યું હતું. બેદરકારી વર્તાઈ રહી છે તેના માટે બુલેટ ટ્રેનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અને આવું ફરીથી ન બને તેવી પણ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. આ પાણી બુલેટ ટ્રેનના ક્વોર્ટરથી લઈ પીપલગ ગામની તલાવડી થઈ ડુમરાલ કાંસમાં નિકાલ કરવામાં આવ્યો છે. સિંચાઇ વિભાગના અધિકારીઓને પણ બુલેટ ટ્રેનના ઓફિસરો સાથે મીટીંગ કરી આવું ભવિષ્યમાં ન બને તેમ જણાવાયું છે.’