બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બુલેટ ટ્રેન માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત ફગાવી
મુંબઈ: ભારતમાં બુલેટ ટ્રેનનું સપનું કેન્દ્ર સરકારનું અને ભારતના લોકોનું પણ છે. દિલ્લી સરકાર તો તાબડતોડ તૈયારી કરી રહી છે પણ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેના કામ પર અડચણો આવી રહી છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બુલેટ ટ્રેન માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત ફગાવી છે જે બાદ સંકટ થોડુ વધ્યું છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નીલ પ્રોજેકટ ગણવામાં આવે છે. શિવસેનાની થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જિલ્લામાં બુલેટ ટ્રેન પરિયોજનામાં જમીન સંપાદન કરવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સેનાની મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જમીન સંપાદન મુદ્દે મડાગાંઠ ઉભી થઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટના ૩૮૦૦ સ્કવેર મીટર જમીન સીલદેઘર વચ્ચે માંગણી કરી હતી જેને બુધવારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ફગાવી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની આ દરખાસ્ત થાણે કોર્પોરેશનની સામાન્ય સભામાં પાંચમી વાર બુધવારે રજૂ થઈ હતી. જેનો સામાન્ય સભાએ ઈન્કાર કર્યો હતો. જો કે, ભાજપે આ અંગે હજુ કોઈ પ્રતિભાવ આપ્યા નથી. પરંતુ પાછળથી પક્ષના નેતા સંજય વાઘલેએ થાણે કોર્પોરેશનનો આ નિર્ણય વખોળ્યો હતો. સામાન્ય સભાએ જમીન સંપાદનની દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો.
જો કે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં શિવસેનાએ હવનમાં હાંડકાની જેમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન સંપાદનની દરખાસ્ત રદ્દ કરતા બુલેટ ટ્રેન પ્રોજેકટ હાલ અનિશ્ર્ચિત મુદત સુધી ઘોંચમાં પડી ગયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા શક્ય એટલી જલ્દીથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પુર્ણ કરવાની તૈયારી બતાવવામાં આવી છે પણ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના થોડા ઓછા સહકારથી આ કામમાં મોડુ થઈ શકે તેમ છે.