Site icon Revoi.in

બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, વડોદરામાં જમીન સંપાદન અને ડિમોલેશનની કામગીરી 98 ટકા પૂર્ણ

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપની પુરી કરવાનો આદેશ અપાયા બાદ જમીન સંપાદનથી લઈને કામગીરીમાં ઝડપ આવી છે. વડોદરામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું જમીન સંપાદન, રૂટમાં આડે આવતાં મકાન, દીવાલો અને નડતરરૂપ બાંધકામોનું ડિમોલિશનનું કામ પણ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન હાલ જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં પ્લેટફોર્મ નંબર-7ની બાજુમાં જ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે બનતું હોવાથી બુલેટ ટ્રેનમાં અમદાવાદ કે સુરત, મુંબઇ તરફથી આવતા કે વડોદરાથી અન્ય શહેરમાં જતા મુસાફરોને મોટો ફાયદો થશે. મુસાફરો ચાલીને જ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં કે બુલેટ ટ્રેનના સ્ટેશનમાંથી રેલવે સ્ટેશનમાં જઇ શકશે. બીજી તરફ બુલેટ ટ્રેનના સ્ટેશનની બિલકુલ સામે જ વડોદરાનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન અને સિટી બસનું મથક આવેલું છે, જેથી બુલેટ ટ્રેનના મુસાફરોને એસ.ટી. બસ, સિટી બસમાં બેસવા માટે કે વડોદરાથી બુલેટ ટ્રેનમાં જતાં લોકોને માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં જ બધી સુવિધા મળી જશે, જેથી તેમના મુસાફરી ખર્ચ અને સમય પણ બચશે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જ આવેલા વડોદરાના બસ ટર્મિનલમાંથી હાલ એવી વ્યવસ્થા છે કે સીધા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પર રોડ ઓળંગ્યા વિના સ્કાય વોક-વે દ્વારા ચાલીને જઇ શકાય છે, તેથી બુલેટ ટ્રેનમાં આવતા કે જતા મુસાફરો સીધા બસ સ્ટેશનમાં આવી-જઇ શકશે. આ સિવાય સિટી બસ સ્ટેશન પણ બાજુમાં જ આવેલું હોવાથી આ વિસ્તાર પેસેન્જર હબ બની જશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનના રૂટમાં આવતી લગભગ 100 વર્ષ જૂના પંડ્યા બ્રિજ પાસેથી નાણાવટી ચાલનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. આ સિવાય વડસર ઇન્દિરાનગરનાં મકાનોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સોસાયટીઓની નડતરરૂપ દીવાલ તોડવા અંગે પણ ટેન્ડર આપવામાં આવ્યાં છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રવાસી માહિતી કેન્દ્ર પણ બુલેટ ટ્રેનના રૂટમાં આવતું હોવાથી તોડી પાડવામાં આવશે. આ સિવાય વડોદરા નજીકના ચાણસદમાં પણ જમીન સંપાદન કરવામાં આવ્યું છે.