મુંબઈઃ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન બાકી છે અને 4 જૂને પરિણામ આવવાનું છે ત્યારે તે પહેલા માર્કેટ ઐતિહાસિક સપાટીઓને વટાવી રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
આજે સેન્સેક્સ શરૂઆત વધારા સાથે ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં 200 પોઈન્ટ જેટલો ઘટાડો આવ્યો હતો. જો કે થોડા સમય પછી ફરી એકવાર બજારમાં તેજી જોવા મળી હતી. હાલ સેન્સેક્સ 75,300ને પાર જ્યારે નિફ્ટી 22,900ની ઉપર વેપાર કરી રહ્યા છે. આજે ખાસ ઓટોમોબાઈલ્સ શેરમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. તો બેંકિંગ સેન્ટરમાં પણ ભારે લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે શેરધારકોમાં આનંદ છવાઈ ગયો હતો. તો ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.22 ટકાનો વધારો જ્યારે સોનાનો ભાવ આજે સ્થિર જોવા મળ્યા હતા. તો ચાંદીના ભાવમાં 0.51 ટકાનો વધારો જોવા મળ્યો હતો.