Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં તેજી, મોટા ભાગના શેર લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડિંગ

Social Share

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટના ઉછાળા સાથે 80100ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 178.97 (0.22%) પોઈન્ટના વધારા સાથે 80,126.41 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 46.41 (0.19%) પોઈન્ટ વધીને 24,366.95 પર પહોંચ્યો હતો. પ્રારંભિક વેપારમાં LT ફૂડ્સનો શેર 11% વધ્યો હતો જ્યારે મારુતિ સુઝુકીના શેરમાં 3%નો ઉછાળો આવ્યો હતો.

મંગળવારે ઓટો શેરોમાં આવેલા ઉછાળાને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. 30 શેરોનો ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ 0.30 ટકાના વધારા સાથે 80,197 પર ક્વોટ થયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 0.23 ટકા વધીને 23,376.70 પર ક્વોટ થયો હતો. ઉલ્લેખીય છે કે, પરિણામ પૂર્વે  આઈટી ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ઓટો ઈન્ડેક્સ સૌથી મોખરે રહ્યો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ 1.21 ટકાના ઉછાળા સાથે 58,152.69 બોલાતો હતો. સેન્સેક્સના પેકમાં મારૂતિ, આઈટીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.