ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ડુંગળીનો પાક વિપુલ પ્રમાણમાં થયો છે. ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ હતી. ગુરૂવારે યાર્ડમાં લાલકાંદાની હરાજી શરૂ કરતા એક દિવસમાં સારા લાલ કાંદાની 5 લાખ ગુણીની બમ્પર આવક થઈ હતી. તેમજ સફેલ કાંદાની 65 હજાર ગુણીની આવક થઈ હતી. હાલ તો મહુવા માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં 5 લાખ લાલ કાંદાની બમ્પર આવકથી છલકાઇ ગયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા માર્કેટ યાર્ડમાં ગુરૂવારથી લાલ કાંદાની હરાજીનો પ્રારંભ કરાતા ખેડુતો દ્વારા આશરે 2000 થી 2500 ટ્રક-ટ્રેકટર દ્વારા 5,32,881 સારા લાલ કાંદાને વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. ભારે આવકને કારણે ગઇકાલે ગુરૂવારે સવારથી મોડી રાત સુધી મહુવા બાયપાસ રોડ ઉપર તથા સ્ટેશન રોડ ઉપર વાહનો ચક્કાજામ થયા હતા.અને લોકો કલાકો સુધી આ ટ્રાફિકમાં ફસાયા હતા. યાર્ડમાં થયેલ ડુંગળની આવકમાંથી લાલ ડુંગળીના 85 હજાર થેલાની હરરાજી થયેલ જેનો ભાવ રૂ.41 થી 142/- અને 4,46,824 થેલાની બેલેન્સ છે. તથા સફેદ ડુંગળીના 65868 થેલાની હરરાજી થયેલ જેનો ભાવ રૂ.122 થી 500/- સુધી રહ્યાં હતા. ખેડુતોને નુકશાનીને ધ્યાને લઇ મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરી ખેડુતોને આર્થિક સહાય કરવા માંગણી કરી છે. ખેડુતોને એક મણની પડતર રૂા.220/- જેટલી થાય છે તેની સામે હાલ 50 થી 170 રૂપીય મળી રહ્યાં છે. જેની સરેરાશ રૂા.135 થી 150 છે જેથી ખેડુતોને એક વિધાદીઠ 15 થી 20 હજારનું નુકશાન થઇ રહ્યું છે.
માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઇ પંચાળી દ્વારા ખેડુતોને થોડી-થોડી ડુંગળી યાર્ડમાં વેચાણ માટે લાવવા અપિલ કરી છે જેથી ખેડુતોને ભાવ પણ સારા મળે અને ડુંગળીની આવક રોજ શરૂ રાખી શકાય અને માલ બગડે પણ નહી. ગત અઠવાડીયામાં પણ 4 લાખ લાલ કાંદાની ગુણીની આવક થતા તેની હરરાજી કરતા 5-6 દિવસ લાગ્યા હતા. જેથી અમુક ડુંગણી બગડી ગઈ હતી. અને ખેડુતોને ડુંગળી ઉપજના પૈસા પણ મળતા ન હોય ભારે નુકશાની ભોગવવી પડે છે.