1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછો ભાવ મળતો હોવાની ખેડુતો નારાજ
ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછો ભાવ મળતો હોવાની ખેડુતો નારાજ

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછો ભાવ મળતો હોવાની ખેડુતો નારાજ

0
Social Share

ભાવનગરઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે.સરેરાશ 38 હજાર થેલા (બોરી) લાલ ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે, જો કે ખેડૂતોને હજી 20 કિલોએ માત્ર રૂા.100થી રૂ.329 જેવો ભાવ મળતો હોય ખેડૂતોને  નુકશાની વેઠવી પડી રહી છે.  અને લાલ ડુંગળીના પોષણક્ષમ ભાવ મળવા જોઇએ તેવી માંગ કરી રહ્યાં છે. આજે લાલ ડુંગળીમાં 20 કિલોએ વધુમાં વધુ રૂ.329 મળ્યા તે પણ ઓછા છે અને મણે રૂ.400થી 500 મળવા જોઇએ તો જ ખેડૂતો પોતાના પરિવારનો નિર્વાહ ચલાવી શકે અન્યથા ખોટનો ધંધો બની રહે છે. આથી જ હજી ઘણા ખેડૂતો ભાવ વધવાની રાહમાં માલ વેચવા આવતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળના હાલ જે ભાવ મળે છે તેમાં તો ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આ સંજોગોમાં સરકારે નિકાસબંધી દુર કરી ખેડૂતોના લાભમાં જ્યાં વધુ ભાવ મળે તેવી નીતિ અખત્યાર કરવી જોઇએ. રાજ્યમાં આ વખતે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ઘટતા, લોકોને તો ફાયદો થયો છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.  ડુંગળીના શરૂઆતના ભાવ સારા રહ્યા હતા.  પરંતુ અન્ય રાજ્યની ડુંગળીની આવક શરૂ થતાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન મબલખ ડુંગળીની આવક થઇ છે. ખેડુતોને હાલ એક મણે 150ની રૂપિયા નુકસાની ભોગવવી પડી રહી છે. જોકે તેમ છતાં ખેડૂતોએ ડુંગળીનું જ વધારે વાવેતર કર્યું છે. એક માસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 52, 900 હેક્ટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું વાવેતર 1,16,000 હેકટરને આંબી ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું થયું છે. ડુંગળીની વાવણી 31,198 હેક્ટર જમીનમાં થઈ છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર યાર્ડમાં ડુંગળીની જે આવક થાય છે તેની નિકાસ દિલ્હી અને પંજાબમાં સૌથી વધુ થાય છે. આ ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં  પણ ભાવનગરથી નિકાસ થાય છે. ખેડૂતોએ કહેવા મુજબ  અમે વાવણી કરીએ ત્યાંથી લલણી કરીએ ત્યાં સુધીમાં ભાવ વધારો થયો છે. મજૂરને એક દિવસના રૂ.300થી 350 આપવા પડે છે. બિયારણ, દવા, ખાતર વિગેરેનો ખર્ચ ગણો તો એક મણનો ભાવ રૂ.400થી રૂ.500 રહે તો જ પોષણક્ષમ ભાવ ગણાય. તેનાથી ઓછો ભાવ હોય તો નુકશાન થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code