Site icon Revoi.in

બનાસકાંઠામાં તમાકુનું બમ્પર ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં 60 હજાર બોરીની આવક

Social Share

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા, રાજગરો અને તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે-સાથે ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની પ્રતિદિન 60 હજાર બોરીની આવક થઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુનો પાક ફાયદાકારક બની રહ્યો છે. જિલ્લામાં શિયાળુ વાવેતર તરીકે બટાકા બાદ ખેડુતો તમાકુંના વાવેતર તરફ વળ્યા છે. જેમાં તમાકુના પાકમાં ખેડુતોને સારૂએવું વળતર મળી રહે છે. જોકે, આ વર્ષે જિલ્લામાં તમાકુનું વાવેતર ઓછું થયું હતું. ઓછા વાવેતર બાદ પણ તમાકુના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. અને ભાવો પણ ગત વર્ષની સરખામણીએ સારા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ડીસા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડમાં ગત વર્ષે સાત લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હતી. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો તમાકુની આવક શરૂ થયાના પ્રથમ દિવસે જ 60 હજાર બોરીની આવક નોંધાઈ છે. એટલે કે કહી શકાય કે આ વર્ષે ડીસામાં તમાકુની આવક પણ ગત વર્ષની સરખામણી વધારે થશે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે. તમાકુ સ્વાસ્થય માટે હાનિકારક છે અને તમાકુનો વપરાશ નશીલા પદાર્થો બનાવવા માટે થતો હોવાની લોકોમાં માન્યતા છે. પરંતુ તમાકુનો મોટાભાગનો ઉપયોગ દવાઓ બનાવવા અને જંતુનાશક દવા બનાવવા થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાસકાંઠામાં આ વર્ષે તમાકુનું વાવેતર દર વર્ષ કરતાં ઓછું થયું હતું. પરંતુ સારા હવામાનને પગલે તમાકુનું ઉત્પાદન વધારે નોંધાયું છે. તો બીજી તરફ તમાકુના ભાવો પણ સારા મળી રહ્યા છે. જોકે પહેલા મોટાભાગના ખેડૂતો તમાકુ વેચવા ઉનાવા માર્કેટયાર્ડમાં જતા હતા. જેથી તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જતો હતો. જોકે આ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં તમાકુના મણે 1300 થી 1900 રૂપિયા જેટલા સારા ભાવ મળતાં હોવાથી તમાકુની ખેતી કરતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ તમાકુનો પાક જિલ્લાના ખેડૂતોનો મોટો આર્થિક ફાયદો આપી રહ્યો છે. એટલે કે કહી શકાય કે હાનિકારક તમાકુ અત્યારે ખેડૂતોને આર્થિક બુસ્ટર ડોઝ આપી રહ્યું છે.