Site icon Revoi.in

અમદાવાદમાં ISI માર્ક વિનાના રમકડાં બનાવતા એકમ ઉપર ભારતીય માનક બ્યુરોના દરોડા

Social Share

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ISI) માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના ભાવડા સ્થિત મેસર્સ મહાજનિક ઉદ્યોગ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 6000 થી વધારે રમકડાંઓં જપ્ત કરવામાં આવ્યા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ ISI માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઇસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.