Site icon Revoi.in

હોલમાર્ક વિના જ્વેલરીનું વેચાણ કરનારા સામે તવાઈ, સુરતમાં માનક બ્યુરોના દરોડા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં જ્વેલર્સ અને સોના-ચાંદીનું વેચાણ કરતાં શોરૂમ્સ દ્વારા હોલમાર્ક વિનાની જ્વેલરીનું વેચાણ કરતાં હોવાની ફરિયાદો ઉઠતા ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી હોલમાર્ક વગર જ્વેલરીનું વેચાણ કરનારા જ્વેલરી શો રૂમ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરતના અમરોલી જૈન શોપિંગ સેન્ટરમાં આવેલા એક શોરૂમ્સમાં દરોડા પાડીને 311 ગ્રામ હોલમાર્ક વગરની  જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. હોલમાર્ક વગર જ્વેલરી વેચાણ કરી શકાતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સના હોલમાર્કિંગ ઓર્ડર, 2020 મુજબ સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતના 23 જિલ્લામાં હોલમાર્કિંગ ફરજિયાત છે, જેમાંથી સુરત પણ એક છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વહેપારી હોલમાર્ક વગર સોનાના દાગીનાનું વેચાણ અને સંગ્રહ કરી શકશે નહિં, આવું કરનારની વિરુદ્ધ ભારતીય માર્ક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 15ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 1,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો બને છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બલ્ડીંગ, ઘોડદોડ રોડ, સુરત-395001 ફોન નં. 0261-2990071 પર લખી શકે છે.