Site icon Revoi.in

ગુજરાત ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છેઃ કોંગ્રેસનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ  મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરીક્ષક અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને  વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાને દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ સમય આપી રહ્યાં છે. મોદીજીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરાઈ રહી છે. ચૂંટણીમાં વપરાતા અધધ નાણાં એ લોકશાહી માટે ખતરારૂપ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે. કોરોના કાળ દરમિયાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી. ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છે. સરકારી અધિકારી સુપર સી.એમ. જેમ સરકાર ચલાવી રહ્યાં છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગુજરાત આઝાદી પહેલાથી મજબુત રાજ્ય હતું પરંતુ 27 વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, ધંધારોજગાર વગેરેમાં અન્ય રાજ્યો કરતાં કથળ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે, પીએમ મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને દિલ્હીના કામ ખોરંભે પડ્યા છે. હવે તો ગુજરાતમાં PMO ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. જેથી કામ થઈ શકે. વડાપ્રધાનના સરકારી ખર્ચે કાર્યક્રમો કરવામાં આવે છે. રાહુલ ગાંધી પણ યાત્રા કરે છે, જેનો ઉદ્દેશ દેશને જોડવાનો છે. કેજરીવાલ મોદીના ભાઈ જેવા જ છે. પંજાબ જીતીને આવ્યા તો હવે દેશને નંબર બનાવવાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ગામડામાં કામે લાગેલા છે. કમિટમેન્ટ પેમ્ફ્લેટ ઘરે ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં રાજસ્થાન જેવી યોજના શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકાર  કૈલાશનાથન જ ચલાવે છે. સીએમ ભલા માણસ છે, પરંતુ આટલા ભલા માણસનું કામ નહીં.કોંગ્રેસની NCP સાથે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે. નિર્ણય પ્રદેશ કોંગ્રેસ અને NCP કરશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે.