અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવતું હોવાનો પોલીસ દાવા કરી રહી છે. હવે બેફમ બનેલા તસ્કરો સામાન્ય પ્રજાને જ નહીં રાજકીય આગેવાનોની મિલકતને નિશાન બનાવી રહ્યાં છે. મહેસાણામાં સાંસદની ઓફિસમાં ચોરી થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં પોલીસ હેડ ક્વાટર્સની નજીક આવેલા સાંસદ સુવિધા કેન્દ્રમાં ચોરીની ઘટના સામે આવી છે. સાંસદ સુવિધા કેન્દ્રમાં ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ અંદરથી 25 ખુરશી, ફ્રીઝ અને એસીના બે યુનિટની ચોરી કરી હતી. આ ઉપરાંત કેન્દ્રની અંદર લગાવવામાં આવેલા નળની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સાંસદના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.
ભાજપના સાંસદ શારદાબેન પટેલની કચેરીમાં ચોરીની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અગાઉ પણ આફિસમાં ચોરી થયાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે સાંસદ સુવિધા કેન્દ્રની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા કવાયત શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ગુનેગારોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.