અમદાવાદઃ રાજ્યમાં ગત વર્ષે કોરોનાના સંક્રમણને કારણે દશેરા પર્વની ઊજવણી થઈ શકી નહોતી. કાલે ગુરૂવારે રાજ્યભરમાં દશેરા પર્વની ઊજવણી કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં ન્યુ મણીનગર, સાયન્સ સિટી સહિત 4 સ્થળ સાથે વડોદરા, રાજકોટ, સુરતમાં પણ પર રાવણ દહન કરવામાં આવશે.
રાજ્યભરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી મનાવાશે, વિજયાદશમી એટલેકે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. ભગવાન શ્રીરામનો રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. અમદાવાદમાં કાલે દશેરાએ ન્યુ મણીનગર, સાયન્સ સિટી સહિત 4 સ્થળ સાથે વડોદરા, રાજકોટ, સુરતમાં પણ પર રાવણ દહન કરવામાં આવશે. અમદાવાદના રામોલ પાસે રાવણના પૂતળા બનાવતા એક પરિવારે જમાવ્યું હતું કે, કોરોના બાદ પૂતળાના વેચાણમાં ઘણો ઘટાડો થયો છે. પહેલાં 80 પૂતળાના ઓર્ડર મળતાં જેની સામે આ વર્ષે નાના મોટા મળીને માત્ર 20 પૂતળાનો ઓર્ડર મળ્યો છે.
ગુજરાતમાં દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રીની જેમ 400 લોકોની મર્યાદામાં રાવણદહન કાર્યક્રમની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે .જોકે આયોજકોએ મંજૂરી લેવાની સાથે કોવિડ-19 ગાઇડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે. દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી.