અમદાવાદઃ વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓને પોતાનો પગાર વધે એવી આશા હોય છે. ત્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTS બસના ડ્રાઈવરો બુધવારે સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા સવારે પૂર્વ વિસ્તારમાં બસ સેવાને આંશિક અસર થઈ હતી. 50 જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક અન્ય ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જાણ કરવામાં આવી હતી. બીઆરટીએસના ડ્રાઈવરોની હડતાળને કારણે બસ સેવાને પણ અસર પહોંચી હતી.
અમદાવાદ જન્મમાર્ગ લિમિટેડના સૂત્રોએ જણાવ્યું હતું કે BRTS બસના છ ખાનગી કંપનીના ઓપરેટરો પૈકી એક કંપનીના ડ્રાઇવરો બુધવારે સવારથી બોનસ અને પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે 25 થી 30 જેટલી બસો બંધ રહી હતી. કંપની અને કર્મચારીઓ વચ્ચેનો આ મામલો હતો. અમદાવાદ જનમાર્ગ લિમિટેડને આ બાબતે કોઈ લેવાદેવા નથી. બસ સેવા પર અસર પડવાના કારણે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરી દેવામાં આવી હતી, અને અન્ય ડ્રાઇવરો મૂકી બસ સેવાને ફરીથી શરૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. હડતાલના કારણે બીઆરટીએસ બસ સેવા પર કોઈ મોટી અસર નહીં પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં BRTS બસના ખાનગી કોન્ટ્રાક્ટર JBM ઈલેક્ટ્રીક બસના 50થી વધુ ડ્રાઇવરો બુધવારે સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરોની માંગણી હતી કે તેમને કંપની દ્વારા જે પગાર અને બોનસ આપવામાં આવે છે તેમાં વધારો આપવામાં આવે. આ માંગણીના પગલે સવારથી પૂર્વ વિસ્તાર ડેપો પરથી 30 થી 40 બસો બહાર નીકળી ન હતી. જેના કારણે બીઆરટીએસ બસ સેવા પર આંશિક અસર પડી હતી. જોકે ખાનગી કંપની અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વાતચીત માટે અમદાવાદ લિમિટેડ દ્વારા જાણ કરી દેવામાં આવી છે અને અન્ય ડ્રાઇવરો મૂકી અને બસ સેવા શરૂ કરવામાં આવી હતી..