સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ
અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે.
સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને વેગ મળે તે હેતુસર સોમનાથ તેમજ વેરાવળ શહેર વિસ્તારમાં આવેલ પવિત્ર સ્થળો જેવા કે સોમનાથ મંદિરથી વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ ચોપાટી, બિરલા મંદિર, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ તેમજ સાંઈબાબા મંદિર આવેલ તમામ સ્થળો એક સાથે જવા આવવા માટે નવી ઈલેકટ્રીક બસ સેવા શરૂ કરાઈ છે.
ગીતા મંદિર ખાતેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકક્ષક મનોહરસિંહ જાડેજાએ આ બસ સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટેમ્પલ કમીટીના ચેરમેન વાય.કે.દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જે બસને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ 100% ઈલેક્ટ્રીક ઊર્જાથી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરી પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ બનશે.