Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, ટૂંક સમયમાં વધી શકે છે સેલેરી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે થોડાક સમય પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કાપ મૂક્યો હતો. જો કે હવે કેન્દ્રીય કર્મચારીઓને ખૂબ જ ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીની અવધિ માટે મોંઘવારી ભથ્થુ એટલે કે DAમાં વધારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર મળશે. તે ઉપરાંત સરકાર પેન્શનર્સને પણ DA પર રાહત આપી શકે છે.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે સરકારે મહત્વનો નિર્ણય લેતા DAના જૂના દર (17 ટકા)ને જૂન 2021 સુધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. જુલાઇથી ડિસેમ્બર 2020 માટે વધારાનું 4 ટકા મોંઘવારી ભથ્થુ હજુ સુધી તેમના માસિક પગારમાં જોડવામાં આવ્યું નથી.
આ જ કારણ છે કે હાલના DA દર 21 ટકા છે પરંતુ ચાર ટકા ઓછું ભથ્થું મળી રહ્યું છે. એવામાં કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે સરકાર હોળીની આસપાસ તેમને ગિફ્ટ આપી શકે છે. સરકારની આ ઘોષણાથી 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોને ફાયદો થશે.

ACPIના આંકડાઓ મુજબ, નરેન્દ્ર મોદી સરકાર જાન્યુઆરીથી જૂન 2021ની અવધિ માટે ચાર ટકા મોંઘવારી ભથ્થાની ઘોષણા કરી શકે છે. જેનો અર્થ એ છે કે DA લાગુ થયા બાદ તેમનું DA મૂળ માસિક પગાર (17+4+4) એટલે કે કુલ 25 ટકા સુધી પહોંચી શકે છે. સાતમા પગાર પંચ મુજબ, DAની ઘોષણા થતાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રવાસ ભથ્થું (Travel Allowance- TA) આપોઆપ વધી જશે. એવામાં DAની ઘોષણા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો માસિક પગાર અનેકગણો વધી જશે.

(સંકેત)