રિલાયન્સ રિટેલમાં રૂ.5512 કરોડનું રોકાણ કરશે અબુ ધાબીનું સોવેરિયન ફંડ ADIA, 1.20 ટકા હિસ્સેદારી ખરીદશે
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ
- અબુ ધાબી સ્થિત અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી કરશે 5512.50 કરોડનું રોકાણ
- આ રોકાણ સાથે ADIA રિલાયન્સ રિટેલનો 1.20 ટકા હિસ્સો ખરીદશે
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં એક પછી એક નવું રોકાણ આવી રહ્યું છે. હવે અબુ ધાબી સ્થિત સોવેરિયન ફંડ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) રિલાયન્સ રિટેલમાં 5512.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સાથે ADIA રિલાયન્સ રિટેલનો 1.20 ટકા હિસ્સો ખરીદશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એ આજે જાહેરાત કરી હતી કે એડીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી આરઆરવીએલમાં 5512.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સમજૂતી માટે રિલાયન્સ રિટેલનું મૂલ્ય 4.285 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
આ રોકાણ સાથે જ 9 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં રિલાયન્સ રિટેલે 37,710 કરોડ રૂપિયામાં કુલ 8.48 ટકા હિસ્સો વેચ્યો છે. 9 સપ્ટેમ્બરે અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેકે 7500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રિટેલનો 1.75 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ 23 સપ્ટેમ્બરે કેકેઆરએ 5500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 1.28 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. 30 સપ્ટેમ્બરના રોજ સિલ્વર લેકે ફરીથી 1875 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 0.38 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. 30 સપ્ટેમ્બરના રોજ જનરલ એટલાન્ટિકે પણ 3675 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 0.84 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1 ઓક્ટોબરના રોજ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ 6247 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 1.40 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.
3 ઓક્ટોબરે જીઆઇસીએ 5512.50 કરોડ રૂપિયામાં 1.22 ટકા હિસ્સો અને ટીપીજી કેપિટલે 1837.50 કરોડ રૂપિયામાં 0.41 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.
(સંકેત)