- ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો
- હવે તેની બાદ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાની તૈયારી
- ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર 17 બેંકોના 9,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ
નવી દિલ્હી: ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ જ્યારે હવે મોકળો થઇ ગયો છે ત્યારે હવે 14,000 કરોડના PNB કૌંભાડના અન્ય ભાગેડૂ આરોપી અને નિરવ મોદીના મામા મેહુલ ચોક્સી તથા કિંગફિશર એરલાઇન્સના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પણ ભારત લાવવાની સરકારે તૈયારી કરી છે.
વિજય માલ્યા માર્ચ 2016માં ભારતથી બ્રિટન નાસી ગયો હતો. ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર 17 બેંકોના 9,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. માલ્યા હાલ લંડનમાં રહે છે. માલ્યાના પ્રત્યાર્પણમાં એક સમયે સફળતા મળી ગઇ હતી. ડિસેમ્બર 2018માં લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતમાં માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ પણ આપી દીધો હતો. જો કે આ આદેશને માલ્યાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
આ કેસમાં 12મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે ભાગેડૂ લીકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ છેતરપિંડીના પૂરતા પુરાવા છે. હાઈકોર્ટે પણ માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી. પરંતુ ખરા સમયે કોઈ ટેકનિકલ બાબતને લઈને માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ થઈ શક્યું નથી. નિરવ મોદીના ચૂકાદા પછી ફરી ભારત સરકારે માલ્યાના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો વધારી દીધા છે.
નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં પ્રત્યાર્પણનો કેસ હારી ગયો હોવાથી તેના મામા અને ભાગેડૂ હિરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પર પણ સકંજો કસવામાં આવે તેવી સંભાવનાઓ છે. પીએનબી કૌભાંડમાં નિરવ મોદીની સાથે મામા મેહુલ ચોક્સી પણ આરોપી છે. થોડાક સમય પહેલાં જ ફેબ્રુઆરીમાં પીએનબી કૌભાંડમાં ભાગેડૂ મેહુલ ચોક્સીની 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ઈડીએ જપ્ત કરી હતી. નિરવ મોદીની સાથે ભારતમાંથી ભાગી ગયેલો મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં છે તથા તેણે ત્યાંની નાગરિક્તા પણ લઈ લીધી છે.
(સંકેત)