નવી દિલ્હી: સરકારી એરલાઇન એર ઇન્ડિયા વર્ષોથી કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે. હવે ટૂંક સમયમાં એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપ સંભાળવા જઇ રહી છે. પ્રજાસત્તાક દિવસના બીજા જ દિવસે તાતાને એપ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવશે.
સરકારે ગત વર્ષે 8 ઑક્ટોબરના રોજ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને એર ઇન્ડિયા વેચી હતી. ટેલેસ એ તાતા જૂથની હોલ્ડિંગ કંપની છે. આ સોદો 18,000 કરોડમાં કરવામાં આવ્યો હતો.
આ સોદામાં જે કેટલીક ઔપચારિકતા બાકી છે તે આગામી બે કે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. એર ઇન્ડિયાના ફાઇનાન્સ ડિરેક્ટર વિનોદ હેજમડીએ જણાવ્યું હતું કે, આજે ક્લોઝિંગ બેલેન્સ શીટ પૂરી પાડવામાં આવશે અને તાતા તેની સમીક્ષા કરી શકશે.
આ સપ્તાહથી જ એર ઇન્ડિયા એ ટાટા જૂથની કંપની બની જશે. વિનોદ હેડમડીએ કર્મચારીઓને લખેલા ઇમેઇલમાં જણાવ્યું હતું કે તમામ સ્ટાફે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સારી રીતે આગળ વધારવા માટે બહુ સરસ સહયોગ આપ્યો છે.
તેમણે કહ્યું કે આપણા માટે આગામી ત્રણ દિવસ બહુ વ્યસ્ત રહેશે. મારી આપ સૌને વિનંતી છે કે તમે આપણું ડિસઇન્વેસ્ટમેન્ટ થાય તે માટે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તમારું શ્રેષ્ઠ યોગદાન આપો. આપણે આપણું કામ પૂર્ણ કરવા માટે કદાચ મોડી રાત સુધી પણ કામ કરવું પડે.
આપને જણાવી દઇએ કે તાતા ગ્રૂપે બિડિંગ પ્રક્રિયામાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ સામેલ છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATAમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટા જૂથ હાલમાં વિસ્તારાને એક અલગ એન્ટીટી તરીકે ચાલુ રાખવા વિચારે છે. વિસ્તારા એ ટાટા જૂથ અને SIA વચ્ચે 51:49 ના પ્રમાણમાં સંયુક્ત સાહસ છે. SIAએ એર ઇન્ડિયા ખરીદવાના પ્લાનમાં રસ દર્શાવ્યો હતો, પરંતુ કોવિડના કારણે તેના બિઝનેસને અસર થતા હવે તે કામગીરી ચાલુ રાખવા માંગતી નથી.