- ક્રિપ્ટોમાર્કેટ ધડામ
- બિટકોઇન ત્રણ મહિનાના નીચલા સ્તરે
- ઇથરમાં પણ કડાકો
નવી દિલ્હી: આજે શેરબજાર ધ્વસ્ત થયા બાદ બીજી તરફ ક્રિપ્ટોકરન્સી માર્કેટ પણ ધડામ થયું હતું. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલી જતા બિટકોઇન ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને Ether પણ ઘટ્યો હતો.
વિશ્વભરના ક્રિપ્ટો માર્કેટમાં ભારે વોલેટિલીટી જોવા મળી રહી છે. ગુરુવારે બિટકોઇન અને ઇથર જેવી મોટી ક્રિપ્ટો કરન્સીઝમાં કડાકો બોલી ગયો હતો.
બિટકોઇનની વાત કરીએ તો બિટકોઇનની વેલ્યૂમાં છેલ્લા 24 કલાકમાં 7 ટકાનો કડાકો બોલી ગયો હતો. ભારતમાં એક ક્રીપ્ટો એક્સચેન્જ પર આટલા સમયમાં 6.17 ટકાનો ઘટાડો થયો હતો.
ગુરુવારના ક્રિપ્ટો ટ્રેડિંગ દરમિયાન બિટકોઇન 6.40 ટકા ઘટીને 34,71,537 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. વૈશ્વિ બજારોમાં તેની કિંમત $43,000 આસપાસ ચાલી રહી છે. 21 ડિસેમ્બર, 2021ના રોજ માર્કેટમાં ફ્લેશ ક્રેશ થયો હતો, ત્યારબાદ બિટકોઇન 34.96 લાખના સ્તરે આવી ગયો હતો. પરંતુ તે પહેલા 1 ઑક્ટોબર, 2021ના રોજ આ સૌથી મોટી કરન્સીનું મૂલ્ય ઘટીને 32,16,694 રૂપિયાના સ્તરે પહોંચી ગયું હતું.
બીજી તરફ ઇથરની વાત કરીએ તો ઇથરમાં પણ નવ ટકાથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં આ ચલણમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે તેની કિંમત રૂ. 2,78,637ના સ્તરે 8.90% ઘટી હતી.
નોંધનીય છે કે, આ મોટો ઘટાડો ત્યારે આવ્યો છે જ્યારે યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યા છે કે તે તેના વ્યાજ દરમાં સમય પહેલા વધારો કરી શકે છે. ફુગાવાને નિયંત્રિત કરવા અને અર્થતંત્રમાં વધુ સ્થિરતા લાવવા માટે, ફેડરલ બેંક દ્વારા બેંકો માટે ઉધાર લેવાનું મોંઘું કરી દેવામાં આવશે.