Site icon Revoi.in

બિટકોઇનના ભાવમાં તેજી, ભાવ 52 હજાર ડોલરને પાર, 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું

Social Share

મુંબઇ: વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બિટકોઇનના ભાવ જે તાજેતરમાં 50 હજાર ડોલર પછી 51 હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા તે આજે વધુ ઉછળી 52 હજાર ડોલરની સપાટી પણ વટાવી જતાં વૈશ્વિક ખેલાડીઓ પણ દિગ્મૃઢ થઇ ગયા હતા.

આજે આરંભમાં બિટકોઇનના ભાવ ઘટી નીચામાં 50798 થી 50799 ડોલર થઇ ગયા પછી ભાવ આંચકા પચાવી ફરી ઉછળી ઉંચામાં 52 હજાર ડોલરની સપાટી કુદાવી 52621થી 52622 ડોલરનો નવો રેકોર્ડ બજારે બનાવ્યો હતો. જો કે ત્યાર પછી ભાવ નીચા ઉતર્યા હતા અને મોડી સાંજે ભાવ 51839થી 51840 ડોલર થયા પછી ફરી ઉછળી 52,197 થી 52,198 ડોલર બતાઇ રહ્યા હતા.

તાજેતરમાં વિવિધ વૈશ્વિક કોર્પોરેટ જૂથોએ બિટકોઈનમાં રસ બતાવતાં ભાવમાં તેજીની વેગીલી દોટ જોવા મળી છે. આજે દરીયાપારથી મળેલા સમાચાર મુજબ વૈશ્વિક સ્તરે સોનામાં સંકળાયેલા તથા સોનામાં બુલીશ ગણાતા અમુક મોટા ખેલાડીઓ બિટકોઈન તરફ વળી રહ્યાના નિર્દેશો હતા. આના પગલે આજે વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટાડા પર રહ્યા હતા જ્યારે સામે બિટકોઈનના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક જૂથ ડબલલાઈન કેપીટલ એલ.પી.ના વડા જેફરી ગુંડલાચ જે ગોલ્ડમાં તેજીના મોટા ખેલાડી ગણાય છે તે હવે બિટકોઈનમાં રસ બતાવતા થયા છે. આજે સાંજ સુધીમાં બિટકોઈનમાં કુલ વેપાર વોલ્યુમ 61થી 62 અબજ ડોલરનું થયું હતું તથા કુલ માર્કેટ કેપીટલાઈઝેશન (માર્કેટ- કેપ) વધી 964થી 965 અબજ ડોલર થયું હતું.

તેજીનું તોફાન જોતાં આવું માર્કેટ કેપ હવે ટૂંકમાં વધી 1000 અબજ ડોલર થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે બિટકોઈનના ભાવ વધી કદાચ એક લાખ ડોલર થાય તો નવાઈ નહિં એવી શક્યતા જાણકારોમાં ચર્ચાઈ રહી છે.

(સંકેત)