- આગામી બજેટમાં ખેડૂતોને મળી શકે છે ખુશખબર
- આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને 18 લાખ કરોડ કરી શકે
- આ માટે ચાલી રહી છે વિચારણા
નવી દિલ્હી: આગામી બજેટમાં દેશના અન્નદાતાઓને મોટી ખુશખબર આપવાની મોદી સરકાર તૈયારી કરી રહી છે. દેશના કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુસર સરકાર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને 18 લાખ કરોડ કરી શકે છે.
સૂત્રોનું માનીએ તો આગામી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કૃષિ ઋણનું લક્ષ્ય 16.5 લાખ કરોડ રૂપિયા છે. સરકાર દરેક વર્ષે કૃષિ ઋણના લક્ષ્યને વધારી રહી છે. સૂત્રોનુસાર આ વખતના બજેટમાં કૃષિ ઋણ લક્ષ્ય 18.5 લાખ કરોડ થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે સરકાર બેન્કિંગ ક્ષેત્ર માટે વાર્ષિક કૃષિ દેવાનું લક્ષ્યાંક નક્કી કરે છે અને તેમાં પાક ઋણનું લક્ષ્ય પણ સામેલ હોય છે. તાજેતરના વર્ષોમાં કૃષિ ઋણનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને દરેક નાણાકીય વર્ષમાં કૃષિ દેવાનો આંકડો લક્ષ્યથી વધારે રહ્યો છે. દ્રષ્ટાંત જોઇએ તો 2017-18 માટે કૃષિ ઋણનું લક્ષ્યાંક 10 લાખ કરોડ રૂપિયા હતું પરંતુ તે વર્ષે ખેડૂતોને 11.68 લાખ કરોડની લોન આપવામાં આવી હતી.