દેવામાં ફસાયેલા અનિલ અંબાણી માટે રાહતના સમાચાર, દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને 4600 કરોડ રૂપિયા ચૂકવવા પડશે
- દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે ખુશખબર
- દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને આપવા પડશે 4600 કરોડ રૂપિયા
- સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં આપ્યો ચુકાદો
નવી દિલ્હી: દેવામાં જાળમાં ગુંચવાયેલા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી માટે એક ખુશખબર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા હેઠળ રિલાયન્સ ઇન્ફ્રાને કુલ 632 મિલિયન ડૉલર એટલે કે 4600 કરોડ રૂપિયા મળશે.
વર્ષ 2008માં રિલાયન્સ ઇન્ફ્રાના એક એકમે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના સંચાલન માટે કોન્ટ્રાક્ટ હાસિલ કર્યો હતો. વર્ષ 2012માં ચાર્જ અને સંચાલન પર વિવાદો બાદ અનિલ અંબાણીની ફર્મે પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. આ સાથે કંપનીએ કોન્ટ્રાક્ટના કથિત ઉલ્લંઘન માટે દિલ્હી એરપોર્ટ વિરુદ્વ આર્બિટ્રેશનનો કેસ કર્યો હતો. અનિલ અંબાણીની કંપનીએ ટર્મિનેશન ફી આપવાની માંગ કરી હતી. આ મામલા પર પ્રથમવાર 2017માં અનિલ અંબાણીની કંપનીએ ટર્મિનેશન ફી આપવાની માંગ કરી હતી. આ મામલા પર પ્રથમવાર વર્ષ 2017માં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો યથાવત્ રાખ્યો છે.
હાલમાં જ્યારે અનિલ અંબાણી દેવામાં ડૂબેલા છે ત્યારે આ તેના માટે એક મહત્વપૂર્ણ જીત છે. કંપનીના વકીલોએ મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, રિલાયન્સ દેવાની ચૂકવણી કરવા માટે પૈસાનો ઉપયોગ કરશે, જેના પગલે સુપ્રીમ કોર્ટે બેંકોને કંપનીના ખાતાઓને બિન-કાર્યકારી સંપત્તિ એટલે કે NPA તરીકે ચિહ્નિત કરવા પર રોક લગાવી હતી.
આ સમાચાર વચ્ચે રિલાયન્સ ઇન્ફ્રાના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાના શેર્સમાં 4.95 ટકાની તેજી જોવા મળી છે. આ તેજીને કારણે રિલાયન્સ ઇન્ફ્રાના શેર્સનો ભાવ 74.15 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.