- રાંધણગેસના વધતા ભાવ બાદ લોકો ઇ-કૂકિંગ સાધનો તરફ વળ્યા
- મોંઘવારીથી બચવા માટે હવે લોકોમાં ઇ-કુકિંગ ઉપકરણોનો વપરાશ વધ્યો છે
- દિલ્હી, તામિલનાડુ, કેરળ, આસામ જેવા રાજ્યોમાં વીજ ઉપકરણોથી રસોઇ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો
નવી દિલ્હી: એક તરફ દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો 900 રૂપિયાને પાર થઇ ચૂકી છે તેને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોંઘવારીથી બચવા માટે હવે લોકોમાં ઇ-કુકિંગ ઉપકરણોનો વપરાશ વધ્યો છે.
ઉર્જા, પર્યાવરણ અને જળ પરિષદના એક અભ્યાસ અનુસાર દિલ્હી, તામિલનાડુ, કેરળ, આસામ જેવા રાજ્યોમાં વીજ ઉપકરણોથી રસોઇ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો હવે ઇન્ડક્શન કૂકટોપ્સ, રાઇસ કૂકર અને માઇક્રોવેવથી રસોઇ કરવાનું પસંદ કરી રહ્યાં છે.
CEEWના અભ્યાસ અનુસાર દિલ્હી અન તામિલનાડુમાં 17 ટકા પરિવારોએ ઇલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ કર્યો છે. તેલંગાણામાં 15 ટકા લોકો ઇલેક્ટ્રિક કૂકિંગ ઉપકરણો તરફ વળ્યા છે. કેરળ અને આસામમાં 12 ટકા જેટલા લોકો ઇ-રસોઇ પસંદ કરી રહ્યાં છે. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 2.7 ટકાની તુલનામાં શહેરી ઘરોમાં ઇ-રસોઇનો ઉપયોગ 10.3 ટકા જેટલો જોવા મળ્યો છે.
અભ્યાસ પર નજર કરીએ તો જે પરિવારો સબસિડીવાળા વીજળી મેળવી રહ્યાં છે તેમના માટે ઇ-રસોઇ સસ્તુ પડે છે. જો કે, પ્રારંભિક ખર્ચ અને અવધારણાની મર્યાદાઓને કારણે શહેરી પરિવારમાં તેની સીમિત પહોંચ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં દેશમાં ઉચ્ચતમ સ્તર પર છે.