નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતન ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે કમરતોડ મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે. આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. આગામી ફેબ્રુઆરી સુધીમાં દાળ, ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.
દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે તહેવારો દરમિયાન દેશમાં દાળ તેમજ ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે પગલાં લેવાનું શરૂ કર્યુ છે. સરકારે વિદેશથી આયાત વધારવા માટે રાજ્ય સરકારોને ખાદ્ય ચીજવસ્તુઓના હોર્ડિંગનો રોકવાનો નિર્દેશ આપ્યો છે.
ખાદ્ય મંત્રાલયના સચિવ સુધાંશુ પાંડે અનુસાર, મલેશિયામાં શ્રમ સંકટ અને બાયો-ફ્યુઅલ માટે ખાદ્ય તેલોના ડાયવર્ઝનને કારણે ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં, ભારતમાં તેના ભાવો પ્રભાવિત નથી થયા. આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો ઊંચી હોવા છતાં ભારતમાં ખાદ્ય તેલના ભાવ નીચલા સ્તરે છે.
સરકારે ખાદ્ય તેલોની આયાતમાં વધારો ઉપરાંત રાજ્ય સરકારોને હોર્ડિંગ પર અંકુશનો નિર્દેશ આપ્યો છે. સરકારને આશા છે કે આ પગલાંથી ખાદ્ય તેલના ભાવ નીચે આવશે. તહેવારોની મોસમમાં લોકોને ભાવ વધારાથી રાહત મળશે.
બીજી તરફ સરકાર કઠોળના ભાવને અંકુશમાં રાખવા માટે પ્રયાસરત છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે તુવેર દાળની આયાત વધી છે. દેશમાં ખાદ્યતેલ તેમજ કઠોળના ભાવની આગામી મહિને રાજ્યો સાથે બેઠક કરીને ફરી સમીક્ષા કરવામાં આવશે.
નોંધનીય છે કે,રાજ્ય સરકારો વેપારીઓ સાથેની વાતચીતમાં આવતા અઠવાડિયાથી સ્ટોકની મર્યાદા નક્કી કરવાનું શરૂ કરશે. જો કોઈ વેપારી નિયત મર્યાદા કરતાં વધુ સ્ટોક એકત્રિત કરતો હોવાનું જણાય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.