ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, 3 મહિનામાં 200 રૂપિયા સિલિન્ડર મોંઘો થયો
- ફેબ્રુઆરી મહિનામાં 3જી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
- સબ્સિડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો વધારો કરાયો
- આમ ફેબ્રુઆરીમાં કુલ 75 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો
નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી જનતાની કમર પહેલા જ તૂટી ચૂકી છે ત્યારે બીજી તરફ LPGના ભાવમાં ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે. સબ્સિડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો વધારો કરાયો છે.
સરકારી તેલ અને ગેસ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતોને લઇને જનતાને ઝટકો આપ્યો છે. 14.2 કિલોના સબ્સિડી વિનાના સિલિન્ડરના ભાવમાં ફરીથી 25 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જ્યારે 19 કિલોના કર્મશિયલ સિલિન્ડર પર થોડી એટલે કે 4 રૂપિયાની રાહત અપાઇ છે.
હવે ગ્રાહકોએ સબ્સિડી વિનાના 14.2 કિલોના ગેસ સિલિન્ડર માટે 892.50 રૂપિયા ચૂકવવાના રહેશે. પહેલા 15 ફેબ્રુઆરીએ આ કિંમત 867.50 રૂપિયા હતી. તેમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. મહત્વનું છે કે 1 મહિનામાં 3જી વખત સિલિન્ડરના ભાવ વધ્યા છે. 3 ફેબ્રુઆરીની સરખામણીએ કિંમત 75 રૂપિયા વધી ચૂકી છે.
આપને જણાવી દઇએ કે સામાન્યપણે મહિનાના અંતિમ દિવસે રસોઇ ગેસની કિંમતની સમીક્ષા કરાય છે અને કિંમતોમાં વધઘટ નવા મહિનાથી લાગૂ કરાય છે. જો કે આ મહિને 3 વખત ભાવવધારો કરીને 75 રૂપિયાનો કુલ વધારો ઝીંકાતા ગ્રાહકોની કમર તૂટી ગઇ છે.
(સંકેત)