- દેશભરમાં હવે માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે
- 1 જૂન, 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે
- આ નિર્ણય બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો જ વેપાર થઇ શકશે
નવી દિલ્હી: હવે દેશભરના ઘરેણાના બજારોમાં માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, 1 જૂન 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. અત્યારસુધીમાં તે મરજીયાત હતું, પરંતુ હવે તેને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો જ વેપાર થઇ શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકારે નવેમ્બર 2019માં જાહેરાત કરી હતી કે સોનાના દાગીના અને કલાકૃતિઓ માટે 15 જાન્યુઆરી, 2021થી હોલમાર્ક ફરજીયાત થઇ જશે. જો કે, કોરોના મહામારીને જોતા તારીખ પાછળ ધકેલવામાં આવી હતી અને તેને લાગૂ કરવાનો સમય 1 જૂન, 2021 કરી દેવાયો હતો. હવે આ તારીખ વધુ નહીં ઠેલાય. કેન્દ્રએ જ્વેલર્સને BIS પાસે રજીસ્ટ્રેશન કરાવવા માટે 1.5 વર્ષથી વધુનો સમય આપ્યો હતો.
હોલમાર્ક લાગવાથી છેતરપિંડીની ઘટનાઓ બંધ થઇ જશે અને ગ્રાહકને શુદ્ધ સોનુ મળી રહેશે.
ઉપભોકતા મામલાની સચિવ લીના નંદને કહ્યું કે BISએ જવેલર્સને હોલમાર્ક આપવામાં લાગ્યું છે. BISના ડાયરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું કે અમે 1 જૂન 2021થી હોલમાર્ક ફરજીયાત કરવા તૈયાર છીએ. અમને આ તરીકે પાછી ઠેલવા અંગે કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. જોકે, દેશના 35 હજારથી વધુ જવેલર્સે BIS રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ આંકડો આગામી મહિના સુધીમાં 1 લાખને પાર થઇ જશે.
(સંકેત)