- કોરોનાને કારણે મંદીમાં ધકેલાયેલા ભારતીય અર્થતંત્રને લઇને સરકારની યોજના
- સરકાર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ત્રીજું આર્થિક પેકેજ જાહેર કરશે
- તેમાં રોજગારી સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓના અમલીકરણ પર ભાર અપાશે
નવી દિલ્હી: કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર મંદીમાં ધકેલાયું છે ત્યારે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર ત્રીજુ રાહત પેકેજ આપવા માટે તૈયારી કરી રહી છે.
એક અહેવાલ અનુસાર, આ પેકેજ 50000 કરોડ રૂપિયા સુધીનું હશે. જેમાં સૌથી વધારે રોજગારી સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાઓ પર ભાર આપવામાં આવશે. આ સાથે જ સરકાર ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ટુરિઝમ સેક્ટરની કંપનીઓને રોજગારી સર્જન કરવા બદલ ટેક્સમાં છૂટ અને કેશ ઇન્સેન્ટિવ પણ આપી શકે છે. હાલમાં સરકાર રોજગારી સર્જન અને બજારમાં માંગ ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આપને જણાવી દઇએ કે સૌથી પહેલા સરકારે કોરોના દરમિયાન અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. એ પછી 45000 કરોડના એક બીજા પેકેજનું પણ એલાન કર્યું હતું. જો કે આ બંને પેકેજથી સુસ્ત પડેલા અર્થતંત્રમાં કોઇ ખાસ તેજી જોવા મળી નહોતી. આ જ કારણોસર હવે સરકાર ત્રીજું પેકેજ લાવવા જઇ રહી છે. સરકાર તેમાં રોજગારી સર્જન પર ભાર મૂકશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પર ધ્યાન આપશે સરકાર
સરકાર 20 થી 25 ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ પેકેજના ભાગરૂપે તેમાં ભારે રોકાણનું એલાઇ થઇ શકે છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓનું અમલીકરણ કરાશે તો તેનાથી પણ રોજગારીનું સર્જન થશે. આ માટે જ સરકારનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ શરૂ કરવાનો છે.
(સંકેત)