Site icon Revoi.in

વિશ્વના સૌથી મોટા હેજ ફંડના મેનેજરે બિટકોઇનના ભાવિ અંગે કરી આ ચેતવણી

Social Share

નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે ત્યારે વિશ્વના સૌથી મોટા હેજ ફંડના અમેરિકન મેનેજર રે ડેલિઓનું માનવું છે કે જો બિટકોઇન ખૂબ જ સફળ થશે તો સરકારો તેને પતાવી દેશે. ડેલિઓએ કહ્યું હતું કે, જો બિટકોઇન સફળ થયો તો કોઇ સરકાર તેનું અસ્તિત્વ નહીં ઇચ્છે. જો તે સફળ થયો તો તેને પતાવી દેશે.

પોતે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનો એકરાર કરતા ડેલિઓએ કહ્યું હતું કે, તેમણે ગોલ્ડમાં જેટલું રોકાણ કર્યું છે તેના થોડા ટકા રોકાણ ક્રિપ્ટોમાં તેમણે રોક્યા છે. જોકે, તેનો મતલબ એ નથી કે ક્રિપ્ટોની કોઈ વેલ્યૂ નથી. જોકે, તેની ભૌતિક વેલ્યૂ નથી તેમ તેમણે જણાવ્યું હતું. બિટકોઈનની વેલ્યૂ કદાચ તેના વિષેના દ્રષ્ટિકોણ અને ડાયવર્સિફિકેશન પર નિર્ભર કરે છે.

વર્ષ 2020માં થયેલા કડાકા બાદ ક્રિપ્ટોકરન્સી એપ્રિલ 2021માં તેના રેકોર્ડ હાઇ પર પહોંચી ગઇ હતી. ડેલિઓનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સરકારના પ્રસ્તાવિત ક્રિપ્ટોકરન્સી બિલમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્તની મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ એક રિપોર્ટ અનુસાર, સરકાર ક્રિપ્ટો પર કડક વલણ અખ્તયાર કરવાને બદલે તને કોમોડિટીની શ્રેણીમાં મૂકે.

અગાઉ આરબીઆઇ ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતા વ્યક્ત કરી છે કે ક્રિપ્ટોથી દેશની નાણાકીય સ્થિરતા પ્રભાવિત થઇ શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસે ક્રિપ્ટોની ભારતીય અર્થતંત્રમાં ઉપયોગીતા અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ તેની સાથે સંકળાયેલા લોકો પાસેથી માંગ્યા છે.

નોંધનીય છે કે, બિટકોઇન એપ્રિલ 2021માં 64,000 ડૉલરનો હાઇ બનાવ્યો હતો. હાલમાં તે 45 હજાર ડૉલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ભારતમાં હાલમાં કેટલાક એક્સચેન્જ પણ સક્રિય છે જે ક્રિપ્ટોમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો કે તેની કાયદેસરતા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.