Site icon Revoi.in

IPO પહેલા LICનું વેલ્યુએશન સરકારે 15 લાખ કરોડ આંક્યું

Social Share

નવી દિલ્હી: આ વર્ષે દેશના લાખો રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યાં છે તે LICનો આઇપીઓ માર્ચ ક્વાર્ટરમાં માર્કેટમાં આવે તેવી શક્યતાઓ છે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સરકાર LICના આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી શકે છે. આ પહેલા સરકારે એલઆઇસીનું વેલ્યુએશન 15 લાખ કરોડ આંક્યું છે.

LICના આઇપીઓ માટે કંપનીનું અંદાજીત મૂલ્ય રજૂ કરવું પડે અને તે માટે સરકારે રોકાણકારો પાસે LICનું વેલ્યુએશન 15 લાખ કરોડની આસપાસ માંગ્યું છે.

એક અહેવાલ અનુસાર લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું અંદાજિત એમ્બેડેડ મૂલ્ય 4 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાની શક્યતા છે અને તેનું બજાર મૂલ્ય તે રકમથી લગભગ ચાર ગણું હોઈ શકે છે એટલેકે 15-16 લાખ કરોડની આસપાસ હોઈ શકે છે. એકવાર અંતિમ અહેવાલ આવી જાય પછી સરકાર જે મૂલ્યાંકન માંગી રહી છે તે બદલાઈ પણ શકે છે.

આપને જણાવી દઇએ કે, જો રોકાણકારો સરકાર દ્વારા પ્રસ્તાવિત આ ગણતરીઓ સાથે સંમત થાય તો એલઆઈસી ભારતની સૌથી મોટી કંપનીઓ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં શામેલ થશે. આ બંને ખાનગી કંપનીઓનું બજાર મૂલ્ય અનુક્રમે 17 ટ્રિલિયન રૂપિયા અને 14.3 ટ્રિલિયન રૂપિયાની આસપાસ છે.

સરકાર માર્ચના અંત પહેલા કંપનીનો 5% થી 10% હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. એલઆઈસી માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરે તે પહેલાં આ મહિનાના અંતમાં મોદી મંત્રીમંડળ દ્વારા વેચવામાં આવનાર હિસ્સાની રકમ પર પણ નિર્ણય લેવામાં આવશે.