Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સીને લઇને રોકાણકારોને લાગી શકે છે ઝટકો, બજેટમાં સરકાર લાવશે બિલ

Social Share

નવી દિલ્હી: નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં રોકાણકારો જેના પર સૌથી વધુ નજર રાખી રહ્યા છે તે ક્રિપ્ટોકરન્સી પર સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

વર્ષ 2021માં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થયું હતું તેમજ ભારતમાં પણ ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. આ જ કારણ છે કે સરકાર ક્રિપ્ટોકરન્સી પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કર્યા બાદ બિલ તૈયાર કરવું પડ્યું હતું.

બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર બિલને લઇને રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, એવી પણ એક શક્યતા છે કે સરકાર ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર ભારે ટેક્સ લગાડી શકે છે.

અત્યારે કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સીના વધતા વ્યાપને જોતા વિવિધ ટેક્સ નિષ્ણાંતો પાસેથી ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઇને અભિપ્રાય લઇ રહી છે. હકીકતમાં, સરકાર હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અથવા ટ્રેડિંગથી થતી આવક પરના ટેક્સને ક્લિયરલી વ્યાખ્યાયિત કરવા માંગે છે.

ક્રિપ્ટોકરન્સીનું જે બિલ સરકાર લાવી રહી છે તેમાં ક્રિપ્ટોને કોમોડિટી તરીકે ગણવાની તેમજ વર્ચ્યુઅલ કરન્સીને તેમના ઉપયોગના આધારે અલગ અલગ રીતે ગણવાની જોગવાઇઓ સામેલ છે. આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ થવાનું હતું, પરંતુ કરવેરા તેમજ ઉદ્યોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું.

હવે એક અહેવાલ અનુસાર, બજેટમાં કરવામાં આવનારી જાહેરાત હેઠળ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો પર ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે. કેન્દ્ર સરકાર ક્રિપ્ટો એસેટ્સ પર ઇન્કમટેક્સ સ્લેબ 35 ટકા અને 42 ટકાની વચ્ચે રાખી શકે છે. આ સાથે સરકાર ક્રિપ્ટો ટ્રેડિંગ પર 18 ટકા GST લાદવાનું પણ વિચારી રહી છે.