- સતત દેવાના બોજ હેઠળ વોડાફોન-આઇડિયા
- જો કંપની બંધ થાય તો 28 કરોડ ગ્રાહકોને થશે અસર
- આ ઉપરાંત દેશની 8 મોટી બેંકોને પણ થશે અસર
નવી દિલ્હી: ભારતનું ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેનું કારણ છે વોડાફોન-આઇડિયા. હકીકતમાં, કંપની સતત ખોટી કરી રહી છે અને નવા રોકાણો પણ બંધ થવાને કારણે હવે કંપનીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કંપનીના ચેરમેનપદેથી કુમાર મંગલમ બિરલાએ પણ રાજીનામું આપ્યું છે. તમામ પ્રયાસો છતાં કંપનીની મુશ્કેલી ઘટવાને બદલે વધી રહી છે. જો આવી સ્થિતિમાં જો કંપની બંધ કરવાની નોબત આવે તો તેનાથી કંપનીના દેશવ્યાપી 28 કરોડ ગ્રાહકો પર અસર પડશે અને તેની પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ અસર 8 મોટી બેંકો પર જોવા મળશે.
વોડાફોન-આઇડિયાના દેશભરમાં 28 કરોડથી વધુ યૂઝર્સ છે. જો કંપની પોતાનો વ્યાપાર બંધ કરી દેશો તે તેની વ્યાપકપણે અસર યૂઝર્સ પર પડશે. જો કંપની બંધ થઇ જાય તો આ ગ્રાહકોની સિમ સેવા પણ બંધ થઇ જાય તે સ્વાભાવિક છે. જો કે, તેનાથી સીધો લાભ જીયો તેમજ એરટેલ જેવી કંપનીઓને થઇ શકે છે.
બીજી તરફ બેંકને એ રીતે અસર થશે કે કંપની પર 1.80 લાખ કરોડનું દેવું છે. જે તેણે 8 અલગ અલગ બેંકો પાસેથી લોન સ્વરૂપે લીધું છે. SBI સહિતની 8 મોટી બેંકો પાસેથી કંપનીએ લોન લીધી છે. જો વોડાફોન-આઇડિયાના પાટિયા પડી જાય તો આ બેંકોની મોટી રકમ ડિફોલ્ટ થઇ શકે છે અને બેંકોને મોટો ફટકો પડે તેવી આશંકા છે.
દેવાના બોજ હેઠળ કંપની
માર્કેટમાં જીયોના આગમન અને અન્ય કંપની સાથેની કડી સ્પર્ધાને કારણે કંપનીના ગ્રાહકો ઓછા થયા બાદ કંપનીની આવક ઘટી છે અને તેને કારણે કંપનીનું દેવું સતત વધી રહ્યું છે. નવું રોકાણ પણ નથી મળી રહ્યું. જેના કારણે વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં પોતાનો હિસ્સો સરકારને વેચવાની ઑફર કરી હતી. પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઇ જવાબ ના મળતા તેમણે રાજીનામું આપ્યું હતું.