Site icon Revoi.in

કોવિડ રોગચાળા વચ્ચે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત, જાણો આંકડો

Social Share

નવી દિલ્હી: દેશમાં કોવિડ રોગચાળો જ્યારે પિક પર હતો ત્યારે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનાની આયાત કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર આ નવ મહિનામાં સોનાની આયાત બમણું થઇને 38 અબજ ડોલર સુધી પહોંચી હતી.

જો કે સોનાની આયાત વધે તે સારી નિશાની નથી. તેનું કારણ એ છે કે સોનાની આયાત પાછળ સારું એવુ વિદેશી હુંડિયામણ ખર્ચ કરવું પડે છે. સોનાની આયાત જેમ વધે છે તેમ દેશની ચાલુ ખાતાની ખાધ એટલે કે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પણ વધે છે.

વાણિજ્ય મંત્રાલય અનુસાર એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળામાં ભારતમાં સોનાની આયાત અગાઉ કરતાં બમણી થઇને 38 અબજ ડોલરે પહોંચી હતી.

એપ્રિલથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં ભારતે 16.78 અબજ ડોલરના ગોલ્ડની આયાત કરી હતી.

ડિસેમ્બર 2021 દરમિયાન તો સોનાની આયાત વધીને 4.8 અબજ ડોલર થઇ હતી જે એક વર્ષ અગાઉના ડિસેમ્બર મહિનામાં 4.5 અબજ ડોલર હતી.

આપને જણાવી દઇએ કે, નવ મહિના દરમિયાન સોનાની આયાતમાં જંગી વધારો થવાના કારણે વ્યાપાર ખાધ વધીને 142.44 અબજ ડોલર થઈ હતી જે એપ્રિલ-ડિસેમ્બર 2020ના સમયગાળામાં 61.38 અબજ ડોલર હતી. તેવી જ રીતે ચાંદીની આયાતમાં પણ ઉછાળો આવ્યો હતો. એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળામાં ચાંદીની આયાત વધીને બે અબજ ડોલર થઈ હતી જે અગાઉના વર્ષમાં સમાન ગાળામાં 76.2 કરોડ ડોલર હતી.

અત્રે જણાવવાનું કે, ચાલુ રાજકોષીય વર્ષના નવ મહિના દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ 71 ટકા વધીને લગભગ 29 મિલિયન ડોલર થઈ હતી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના જણાવ્યા પ્રમાણે ભારતની ચાલુ ખાતાની ખાધ 9.6 અબજ ડોલર થઇ હતી જે સપ્ટેમ્બર મહિનામાં કુલ જીડીપીના 1.3 ટકા હતી.