– ભારતમાં કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ સારા સમાચાર
– અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ દેશની કૃષિ પેદાશોની નિકાસ વધી
– માર્ચથી જૂન 2020 દરમિયાન નિકાસ વાર્ષિક તુલનાએ 23 ટકા વધી
ભારતમાં એક તરફ કોરોનાની મહામારી જોવા મળી રહી છે અને તેના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જો કે આ પ્રતિકૂળ પરિસ્થિતિઓના સર્જન વચ્ચે પણ ભારતમાંથી કૃષિ પેદાશોની નિકાસમાં વૃદ્વિ જોવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચથી જૂન 2020 દરમિયાન ભારતમાંથી કૃષિ પેદાશોની નિકાસ વાર્ષિક તુલનાએ 23 ટકા વધીને 25,553 કરોડ રૂપિયા નોંધાઇ છે.
આ વર્ષે કૃષિ મંત્રાલય દ્વારા મૂલ્ય વર્ધિત પેદાશો તેમજ હેલ્થકેર ફૂડ પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકાર ખાડી દેશોમાં પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવવા ઇચ્છુક છે. જે પહેલાથી જ ભારત માટે એક મોટું અને મહત્વપૂર્ણ બજાર છે, હાલમાં ભારત તેમની કુલ આયાતનો 10થી 12 ટકા જ હિસ્સો સંતોષે છે.
કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે મંત્રાલયે એક પ્રોડક્ટ માર્કેટ મેટ્રિક્સ બનાવ્યું છે જેમાં ઉત્પાદનોની સૂચિ છે જે નવા ભૌગોલિકમાં વિસ્તૃત થઈ શકે છે અને જાણીતા બજારોની યાદી છે જ્યાં નવા ઉત્પાદનો રજૂ કરી શકાય છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારતની કૃષિ નિકાસ જીડીપીની ટકાવારીની રીતે વર્ષ 2017-18માં 9.4 ટકાથી વધીને વર્ષ 2018-19માં 9.9 ટકાએ પહોંચી છે. જ્યારે ભારતની કૃષિ આયાત જીડીપીની ટકાવારીની દૃષ્ટિએ 5.7 ટકાથી ઘટીને 4.9 ટકા થઇ છે જે દર્શાવે છે કે નિકાસ યોગ્ય સરપ્લસ અને ભારતમાં કૃષિ પેદાશોની આયાત પર નિર્ભરતામાં ઘટાડો જોવા મળ્યો છે.
ડબ્લ્યુટીઓ અનુસાર ભારતના કૃષિ નિકાસ અને આયાતનો હિસ્સો વર્ષ 2017માં વૈશ્વિક કૃષિ વેપારમાં અનુક્રમે 2.27% અને 1.90% હતો.
મહત્વનું છે કે, વિશ્વમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનની દૃષ્ટિએ ભારત બીજા ક્રમાંકે છે અને તે વર્ષે અંદાજે રૂ.5638 કરોડના મૂલ્યના 8.22 ટન ફળ તેમજ રૂ.5679 કરોડના મૂલ્યના 31.92 લાખ ટન શાકભાજીની નિકાસ કરે છે. ભારત બાગાયતી પેદાશોની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે તે આવશ્યક છે.
(સંકેત)