- કોરોના કાળ વચ્ચે ભારતમાંથી કોટનની નિકાસ 7 વર્ષની ટોચે પહોંચવાની આશા
- નવી સિઝન દરમિયાન કોટનની કુલ નિકાસ વધીને 70 લાખ ગાંસડી રહેવાની શક્યતા
- વૈશ્વિક ભાવમાં તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે નિકાસ વધશે
નવી દિલ્હી: કોરોના કાળ વચ્ચે પણ ભારતમાંથી કોટનની નિકાસ નવી સીઝન 2020-21 દરમિયાન સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચવાની આશા છે જે વૈશ્વિક ભાવમાં તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને આભારી છે. કોટન એસોસિએશન ઑફ ઇન્ડિયા (CAI)એ જણાવ્યું કે, વૈશ્વિક તેજીને પગલે ભારતીય નિકાસકારોએ નવા એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ કરવાનું ચાલું રાખ્યું છે અને નવી સિઝન દરમિયાન દેશમાંથી કોટનની કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 40 ટકા વધીને 70 લાખ ગાંસડી રહેવાની શક્યતા છે.
ભારત વિશ્વના સૌથી મોટા કોટન ઉત્પાદન દેશો પૈકીનું એક છે અને 1લી ઑક્ટોબરથી દેશમાં નવી કોટન સીઝન શરૂ થઇ છે. હાલ વૈશ્વિક ભાવો અમેરિકા-બ્રાઝિલ જેવા મુખ્ય નિકાસકારો દેશોમાંથી શિપમેન્ટ મર્યાદિત કરી શકે છે અને ચીન, બાંગ્લાદેશ તથા વિયેતનામ જેવા એશિયન દેશો મુખ્ય ખરીદદારો રહેશે.
કોટન એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું કે, નિકાસ બજારમાં ભારતીય કોટનની સારી માંગ છે કારણ કે વૈશ્વિક બજારમાં આપણું કોટન સૌથી સસ્તુ છે. વૈશ્વિક ભાવોમાં વૃદ્વિ ભારતીય કોટનની નિકાસ પાછલા વર્ષની 50 લાખ ગાંસડીથી વધારીને પ્રવર્તમાન વર્ષે 70 લાખ ગાંસડીએ પહોંચાડી શકે છે.
વૈશ્વિક બજારમાં કપાસના ભાવ લગભગ 17 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે જ્યારે ભારતીય રૂપિયો હાલ બે મહિનાના તળિયે છે, આથી વિદેશમાં નિકાસ કામકાજથી ટ્રેડર્સનું માર્જિન વધી જશે.
વિદેશ વેપાર કરતા ડિલરોનું કહેવુ છ કે, ભારતીય કોટનની ચીન, બાંગ્લાદેશ, વિયેતનામમાં નવેમ્બરની શિપમેન્ટ ફ્રેઇટખર્ચના આધારે લગભગ 74 સેન્ટ પ્રતિ બેલ્સના ભાવે થઇ રહી છે. મોટાભાગની નિકાસ ચીન અને બાંગ્લાદેશમાં કરાઇ રહી છે.
ભારતમાં નિકાસ માટે પુરતા પ્રમાણમાં કોટન ઉપલબ્ધ થઇ જશે કારણ કે, દેશમાં પાછલા વર્ષના 354.5 લાખ ગાંસડીની તુલનાએ નવી સીઝનમાં વધારે ઉત્પાદન થવાની શક્યતા છે. એકલા ઓક્ટોબરમાં જ નિકાસકારોએ 7 લાખ ગાંસડીની નિકાસ કરી છે અને નવેમ્બર માટે વધુ 10 લાખ ગાંસડીના કરાર કર્યા છે.
(સંકેત)