ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને મ્હાત આપીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનો IHSનો અંદાજ
- ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી દશે
- જાપાનને પછાડીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે
- IHS માર્કેટના રિપોર્ટમાં આ અંદાજ લગાવાયો છે
નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે અને તે વર્ષ 2030 સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવો સુર અર્થતંત્રના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. શુક્રવારે જાહેર થયેલા IHS માર્કેટના એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.
વર્ષ 2030 સુધીમાં ભારત જાપાનને પણ પાછળ છોડી દેશે અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારતના જીડીપીનું કદ જર્મની અને યુકે કરતાં પણ વધારે હશે અને ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.
IHS માર્કેટ્સના રિપોર્ટ અનુસાર આ દાયકો ભારતીય અર્થતંત્ર માટે ઘણો સકારાત્મક રહેવાની આશા છે. ભારતનું જીડીપીનું બજાર મૂલ્ય 2021માં 2,700 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં 8,400 અબજ ડોલર થવાનો અંદાજ છે. એટલે કે આ સમય દરમિયાન સ્થાનિક અર્થતંત્રમાં 3 ગણાથી વધુ વૃદ્વિ થવાનો અંદાજ છે. ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન બાદ બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
એકંદરે ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહે તેવી શક્યતા છે એમ બજારના અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર લાંબા ગાળે સ્થાનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા ઘણા પરિબળો આ ઝડપી ગતિને સમર્થન આપશે. આમાં સૌથી મહત્ત્વનો દેશનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ હશે. આના કારણે ભારતમાં ઉપભોક્તા ખર્ચમાં જોરદાર વધારો થશે. એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં દેશનો ઉપભોક્તા ખર્ચ બમણો થઈ જશે જે અર્થતંત્રને 3 ગણો વૃદ્ધિ કરવામાં પણ મદદ કરશે.