Site icon Revoi.in

ભારતના અર્થતંત્રમાં રિકવરી, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4% રહ્યો જીડીપી ગ્રોથ

Social Share

નવી દિલ્હી: એક વર્ષથી કોરોના મહામારી તેમજ લોકડાઉન જેવી વિપરિત સ્થિતિઓને કારણે પ્રભાવિત અર્થતંત્રને લઇને હવે રિકવરીના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં NSOએ પ્રવર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બરમાં પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી આંકડા જાહેર કર્યા હતા. આ આંકડાઓ અનુસાર દેશના અર્થતંત્રમાં 0.4 ટકાનો વિકાસ નોંધાયો છે. વર્ષ 2019-20માં ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી વિકાસ દર 3.3 ટકા હતો.

આંકડાઓ દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર મંદીના કપરા ચઢાણ પાર કરી ચૂક્યું છે અને સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2020-21ના પહેલા બે ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ નકારાત્મક હતો.

કોરોના કાળમાં લોકડાઉનથી પ્રભાવિત જૂનની ત્રિમાસિક દરમિયાન વિકાસ દર રેકોર્ડ 23.9%નો ઘટાડો થયો હતો. જ્યારે બીજી ત્રિમાસિકમાં 7.5%નો ઘટાડો નોંધાયો હતો. એનએસઓએ 2020-21માં જીડીપી દરમાં 8%ના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું, જાન્યુઆરીમાં જાહેર કરાયેલા અનુમાનોમાં એનએસઓએ ચાલુ નાણાંકીય વર્ષ માટે 2019-20માં 4%ના વિકાસ દર સામે 7.7%ના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું.

જોકે વૈશ્વિક કોરોના મહામારીથી પ્રભાવિત ભારતની અર્થવ્યવસ્થાને લઇને અનુમાન લગાવવામાં આવ્યા હતા કે, નાણાંકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં વિકાસ દર 0.5% રહી શકે છે. પરંતુ એનએસઓના આંકડા મુજબ ઓક્ટોબર-ડિસેમ્બરની ત્રીજી ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 0.4% રહ્યો. ભારત દેશ હવે એ દેશોની યાદીમાં સામેલ થઇ ચૂક્યો છે જેઓએ 2020ના અંતમાં સકારાત્મક ગ્રોથ રેટ ફરીથી મેળવી લેવામાં સફળતા મેળવી હતી. પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસો વધતા ચિંતા વધી રહી છે.

(સંકેત)