Site icon Revoi.in

ગૂગલની મુશ્કેલી વધી, DNPAની ફરિયાદ બાદ કંપની વિરુદ્વ ભારતમાં તપાસનો આદેશ

Social Share

નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલ તેના ક્ષેત્રમાં એકાધિકારને કારણે ભારતમાં અયોગ્ય રીતે મોટા પાયે નફો રળી રહ્યું છે. હવે આ મામલે કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ તપાસના આદેશ આપ્યા છે. ડિજીટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ CCIએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ ગૂગલ કોમ્પિટિશન એક્ટની કેટલીક જોગવાઓનું ઉલ્લંઘન કરતું હોવાનું જાણવા મળ્યું છે.

ગૂગલ એપ ડેવલપર્સ પાસેથી પ્લોસ્ટોરના નામે આર્બિટરી કમિશન ચાર્જ કરી રહ્યું છે અને તેને લઇને પહેલાથી જ ભારતમાં ગૂગલ વિરુદ્વ તપાસ ચાલી રહી છે. તાજેતરના એક આદેશમાં કમિશને સ્વીકાર્યું કે ગૂગલ એકાધિકારનો દૂરુપયોગ કરી રહ્યું છે અને ડિજીટલ સમાચાર પ્રકાશકો પર કેટલીક અયોગ્ય અને અન્યાયી શરતો લાદી રહ્યું છે.

ગૂગલ અને મૂળ કંપની આલ્ફાબેટ વિરુદ્વ આયોગે 60 દિવસની અંદર તપાસ રિપોર્ટ મંગાવ્યો છે. DNPAએ ફરિયાદમાં કહ્યું છે કે, ગૂગલ એલ્ગોરિધમ પોતાની મનમરજીથી નક્કી કરી છે કે કોઇ માહિતી શોધવાથી તે કઇ વેબસાઇટ પર મળશે. તે ઉપરાંત ભારતના સમાચાર પ્રકાશકો ગુણવત્તાસભર કન્ટેન્ટ માટે મોટા પાયે રોકાણ કરે છે પરંતુ તેને દર્શાવવાની અવેજમાં મળતી જાહેરાતની રકમનો મોટો હિસ્સો ગૂગલ પોતે કન્ટેન્ટ ક્રિએટ ના કરતું હોવા છતાં પોતાની પાસે અયોગ્ય રીતે રાખી લે છે. તે માટે પણ તપાસના આદેશ અપાયા છે.