Site icon Revoi.in

યસ બેંક છેતરપિંડી કેસ: વધાવન બંધુઓને હાઇકોર્ટમાંથી મળ્યા શરતી જામીન

Social Share

યસ બેંક છેતરપિંડી કેસમાં આરોપી કપિલ વધાવન અને ધીરજ વાધવાન ભાઇઓને બોમ્બે હાઇકોર્ટથી રાહત મળી છે. કોર્ટે બંને ભાઇઓને અમુક શરતો સાથે જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 60 દિવસના સમય છત્તાં વધાવન ભાઇઓ વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ બંને ભાઇઓને કોર્ટે જામીન આપ્યા છે. બોમ્બે હાઇકોર્ટે આ બંને આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપી દીધા છે.

બંને ભાઇઓ જામીન મળવા છત્તાં જેલમાં રહેશે, કારણ કે સીબીઆઇએ પણ તેમની સામે કરોડો રૂપિયાના કૌંભાડમાં કેસ દાખલ કર્યો છે.

ઇડીએ કરી હતી ધરપકડ

આપને જણાવી દઇએ કે મની લોન્ડરિંગ કેસમાં બંને ભાઇની ઇડી દ્વારા આ વર્ષે 14મે રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત CBI એ પણ 7 માર્ચે વધાવન ભાઇઓ વિરુદ્વ FIR નોંધાવી હતી. CBIએ આરોપ લગાવ્યો હતો કે યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને વાધવાન બંધુઓએ એકબીજાને લાભ પહોંચાડ્યો છે. યસ બેંકે કથિત રીતે ગેરરીતિ આચરીને વધાવન બંધુઓને લોન આપી હતી.

જે બાદ EDએ વધાવન બંધુઓ, રાણા કપૂર, કપૂરની પત્ની બિંદુ કપૂર, તેમની દિકરી રોશની અને રેખા તથા તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ ડી કે જૈન એન્ડ એસોસિએટ્સ વિરૂદ્ધ 15 જુલાઈએ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઇડીએ પ્રોપર્ટી ટાંચમાં લીધી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વર્તમાન વર્ષના જુલાઇ માસમાં બેંકના પૂર્વ પ્રમુખ રાણા કપૂર અને DHFLના પ્રમોટર્સ કપિલ વધાવન અને ધીરજ વધાવનની 2400 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ટાંચમાં લીધી હતી. જેમાં રાણા કપૂરની 1000 કરોડ રૂપિયા અને વાધવાન બંધુઓની 1400 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સામેલ છે.

(સંકેત)