- IPO પહેલા LICનું વેલ્યુએશન કરાયું
- કંપની પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ
- આ સંપત્તિ પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે
નવી દિલ્હી: આ વર્ષે રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તેવા LICનો IPO આવવાનો છે ત્યારે IPO લોંચ થાય તે પહેલા તેની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કંપનીની કુલ સંપત્તિ 463 અબજ ડોલર છે જે પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે.
મીડિયા અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે કુલ સંપત્તિના દૃષ્ટિકોણથી જોઇએ તો LIC 10મા ક્રમે છે. ભારતમાં આ કંપની 65 વર્ષ કરતાં વધારે સમયથી લાઇફ ઇન્શ્યોરન્સ પૂરું પાડે છે.
બીજી રીતે તેની સંપત્તિની સરખામણી કરવામાં આવે તો તેની સંપત્તિ ભારતમાં તમામ મ્યુચ્યલ ફંડનો જેટલો બિઝનેસ છે તેના કરતા 1.1 ટકા વધારે છે.તેનુ મુલ્ય સોમાલિયા, મોઝામ્બિક, બુરુંડી દેશોની કુલ ઈકોનોમી કરતા પણ વધારે છે.
પાકિસ્તાનની જીડીપી ગત વર્ષે 280 અબજ ડૉલર, બાંગ્લાદેશની 350 અબજ ડૉલર અને શ્રીલંકાની જીડીપી 81 અબજ ડોલર હતી. આમ આ દેશો કરતાં પણ LICની સંપત્તિ વધારે છે.
LIC માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં પોતાનો આઇપીઓ લાવે તેવી સંભાવના છે. સરકારની હાલમાં આ કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે. આઇપીઓ પહેલા કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ,2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીના 4.51 લાખ કરોડ રુપિયાના પોર્ટફોલિયોમાં 35000 કરોડ રુપિયાની નોન પરફોર્મિંગ એસેટસ છે.