Site icon Revoi.in

હવે સહકારી બેંકોમાંથી પણ MSMEને લોન મળી શકશે, નીતિન ગડકરીએ આપ્યા સંકેતો

Social Share

કોરોના સંકટને પહોંચી વળવા તેમજ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે રૂ.20.97 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજને જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે રૂ.3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGS) નો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ યોજના હેઠળ લોન આપવા માટે સહકારી બેંકોનો પણ સમાવેશ થઇ શકે છે તેવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંકેત આપ્યા છે.

કર્ણાટક રાજ્ય પરિષદ દ્વારા આયોજીત ફિક્કીની MSME કોન્ક્લેવમાં બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે. નાણાંમંત્રી સહકારી બેંકોને યોજનામાં મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટશન ન બનાવવાનું કારણ જણાવી ચૂક્યા છે. હવે શેડ્યુલ્ડ કો-ઓપરેટિવ બેંકો અને અર્બન કો-ઓપરેટિવ બેંકોની નાણાકીય સ્થિતિ વિશે ડેટા મંગાવવામાં આવી રહ્યા છે. ડેટા પ્રાપ્ત થયા બાદ RBIની સલાહના આધારે આ બેન્કોને MLIમાં સમાવવામાં આવશે.

પ્રવર્તમાન સમયમાં તમામ શેડ્યુલ્ડ બેંકો ઇસીએલજીએસ યોજના અંતર્ગત એમએસએમઇને લોન આપી રહી છે. તેમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે. આ સિવાય નોન- બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પણ યોજના હેઠળ લોન આપી રહી છે.

નોંધનીય છે કે, આ યોજના હેઠળ MSMEને રૂ. 3 લાખ કરોડની લોન આપવામાં આવશે. ગડકરીના જણાવ્યા મુજબ આમાંથી અત્યાર સુધીમાં રૂ. 1.2 લાખ કરોડની લોન અપાઈ ચુકી છે. રિઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ 31 માર્ચ 2019 સુધીમાં દેશમાં 1544 અર્બન કો-ઓપરેટીવ બેંકો અને 31 માર્ચ 2018 સુધીમાં 96,248 રૂરલ કો-ઓપરેટીવ બેંકો આવેલી છે.

(સંકેત)