- કોરોનાના વધતા કેસોની અસર
- મોબાઇલના શિપમેન્ટમાં માર્ચ ક્વાર્ટરમાં થશે ઘટાડો
- માર્ચ ક્વાર્ટરમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના
નવી દિલ્હી: વિશ્વભરમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો છે જેની અસર હવે વ્યાપારિક ગતિવિધિઓ પર પણ જોવા મળી છે. કોવિડની અસરને કારણે વર્તમાન જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન મોબાઇલ શિપમેન્ટ 20 ટકા ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓમિક્રોનના કેસ વધવાને કારણે દેશમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને કારણે હવે કંપનઓ ઉત્પાદન મર્યાદિત કરવા માટે મજબૂર છે અને તેના પરિણામે મોબાઇલના વિવિધ પાર્ટ્સ અને સેમિકન્ડક્ટરની અછત સર્જાઇ શકે છે.
આથી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મોબાઇલ ફોનની શિપમેન્ટ ક્વાર્ટરની સરેરાશ 5.4થી 5.5 કરોડ યુનિટથી લગભગ 20 ટકા ઓછી રહેવાની ધારણા છે. જેમાં સ્માર્ટફોનની શિપમેન્ટ લગભગ 11થી 14 ટકા ઘટી શકે છે.
એક અંદાજ અનુસાર માર્ચ ક્વાર્ટરમાં મોબાઇલની શિપમેન્ટ એકંદરે 4.3થી 4.4 કરોડ યુનિટની આસપાસ રહી શકે છે. જેમાં સ્માર્ટફોનની શિપમેન્ટ 3થી 3.2 કરોડ યુનિટ રહેવાની ધારણા છે જે સામાન્ય રીતે સરેરાશ 3.5થી 3.6 કરોડ યુનિટ રહે છે. 2021ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ 16.3 કરોડ નંગ મોબાઇલની શિપમેન્ટ થઇ છે જે વર્ષ 2022માં 17.9 યુનિટ રહેવાની સંભાવના છે.